કચ્છ બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડિયાનું મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ઉષ્માભર્યું સ્વાગત

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

સિરામિક ઉદ્યોગના પ્રશ્નો અને પડકારો અંગે ઉદ્યોગકારોએ કરી રજૂઆત, પોલીસ તંત્ર તરફથી સહયોગની અપાઈ ખાતરી

મોરબી: તાજેતરમાં મોરબી જિલ્લાનો રાજકોટ રેન્જમાંથી કચ્છ બોર્ડર રેન્જમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેના અનુસંધાને આજે મોરબીની મુલાકાતે પધારેલા કચ્છ બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડિયાનું મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ભગવાન શ્રી રામજીની પવિત્ર પ્રતિમા અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડિયા, અજય મારવણિયા તથા પરેશ ઘોડાસરાએ મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે દેશના નિકાસ ક્ષેત્રે તેમજ ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં મોરબી સિરામિક ઉદ્યોગના મહત્વપૂર્ણ યોગદાનથી આઈજીને અવગત કરાવ્યા હતા.

ઉદ્યોગકારોએ કચ્છ વિસ્તારમાંથી સિરામિક ઉદ્યોગ માટે આવતા વિવિધ પ્રકારના કાચા માલના પરિવહન અને પુરવઠા દરમિયાન ઊભી થતી મુશ્કેલીઓ તેમજ તેના કારણે ઉદ્યોગને ભોગવવા પડતા પડકારોની પણ વિગતવાર રજૂઆત કરી હતી.

આ દરમિયાન મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશકુમારે ચર્ચામાં સહભાગી બની જણાવ્યું હતું કે મોરબીનો સિરામિક ઉદ્યોગ હંમેશાં જિલ્લા વહીવટીતંત્ર અને વિવિધ સરકારી વિભાગો સાથે સંકલન અને સહયોગની ભાવના સાથે કાર્ય કરતો આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે ઉદ્યોગના વિકાસ ઉપરાંત જાહેર હિતના કાર્યોમાં પણ સિરામિક ઉદ્યોગકારોનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે.

કચ્છ બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડિયાએ ઉદ્યોગકારોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી અને મોરબીના સિરામિક ઉદ્યોગને કોઈપણ પ્રકારની અનાવશ્યક મુશ્કેલી ન પડે તે માટે પોલીસ તંત્ર તરફથી શક્ય તમામ સહયોગ અને માર્ગદર્શન પૂરું પાડવાની ખાતરી આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે મોરબીનો સિરામિક ઉદ્યોગ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશના ઔદ્યોગિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. ઉદ્યોગને લગતા પ્રશ્નોના ઝડપી અને યોગ્ય નિરાકરણ માટે પોલીસ તંત્ર હકારાત્મક અભિગમ સાથે કાર્ય કરશે તેવી પણ તેમણે ખાતરી વ્યક્ત કરી હતી.

આ મુલાકાત સૌહાર્દપૂર્ણ અને રચનાત્મક વાતાવરણમાં સંપન્ન થઈ હતી. બેઠક દરમિયાન ઉદ્યોગ અને વહીવટી તંત્ર વચ્ચે વધુ સારા સંકલન, સંવાદ અને સહકારની ભાવનાને વધુ મજબૂતી મળી હતી. અંતે મોરબી સિરામિક એસોસિએશન દ્વારા આઈજી ચિરાગ કોરડિયા તેમજ જિલ્લા પોલીસ વડા મુકેશકુમારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ ઉદ્યોગના હિતમાં સતત સહયોગ અને માર્ગદર્શન મળતું રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW