મોરબી, તા. 5 જૂન: સમગ્ર વિશ્વમાં આજે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરને હરિયાળું, સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત બનાવવા માટે વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહાપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, કોર્પોરેટરો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વિવિધ સ્થળોએ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને પર્યાવરણના સંરક્ષણ માટે જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વૃક્ષારોપણ કાર્યક્રમમાં મોરબી મહાપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પંડસુંબીયા, દંડક જયેશભાઈ દેસાઈ તેમજ શાસક પક્ષના નેતા શ્રીમતી અર્પિતબા જાડેજા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સંબોધતા મેયર ઉત્તમભાઈ સુરાણીએ જણાવ્યું હતું કે, “વધતા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યાઓ સામે લડવા માટે વૃક્ષો સૌથી અસરકારક ઉપાય છે. માત્ર વૃક્ષો વાવવાથી જ કામ પૂરું થતું નથી, પરંતુ તેનું યોગ્ય જતન અને સંવર્ધન પણ એટલું જ જરૂરી છે. દરેક નાગરિકે પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી સમજવી જોઈએ.”
અન્ય મહાનુભાવોએ પણ પોતાના સંબોધનમાં નાગરિકોને ઘર, શાળા, ઓફિસ તેમજ જાહેર સ્થળોએ વધુમાં વધુ વૃક્ષો વાવવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આવનારી પેઢીને સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણ આપવા માટે આજથી જ હરિયાળી વધારવાના પ્રયાસો હાથ ધરવા જરૂરી છે.
આ પ્રસંગે મહાપાલિકાના વિવિધ વોર્ડના કોર્પોરેટરો, ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, સ્થાનિક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તમામ ઉપસ્થિતોએ પર્યાવરણના રક્ષણ અને વૃક્ષોના સંવર્ધન માટે પ્રતિબદ્ધ રહેવાનો સંકલ્પ પણ લીધો હતો.
મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ વૃક્ષારોપણ કાર્યક્રમ શહેરમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા અને હરિયાળી વધારવાના પ્રયાસોમાં મહત્વપૂર્ણ સાબિત થયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે મહાપાલિકાની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.




