લાલપર પ્રાથમિક શાળામાં જન કલ્યાણ શિબિર યોજાઈ, આંગણવાડીના પોષણ સ્ટોલ અને આધાર કીટ સેવાઓને મળ્યો સારો પ્રતિસાદ
મોરબી તાલુકાના લાલપર ગામ સ્થિત પ્રાથમિક શાળામાં આજે જન કલ્યાણ શિબિર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન મોરબી ઘટક-૨ હેઠળની લાલપર સેજાની આંગણવાડી દ્વારા પોષણયુક્ત વાનગીઓનો વિશેષ સ્ટોલ ઉભો કરવામાં આવ્યો હતો. સ્ટોલ પર આંગણવાડીમાં આપવામાં આવતી પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ માતાઓ અને લાભાર્થીઓને સંતુલિત આહાર અને બાળ પોષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ વિભાગ (ICDS) દ્વારા આધાર કાર્ડ નોંધણી અને સુધારણા માટે ખાસ આધાર કીટની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના માધ્યમથી ૦ થી ૫ વર્ષના બાળકોના આધાર કાર્ડ સંબંધિત કામો તેમજ અન્ય લાભાર્થીઓની આધાર નોંધણી અને સુધારણાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ગ્રામજનોએ આ સેવાનો લાભ લીધો હતો.
શિબિરમાં ઉપસ્થિત અધિકારીઓ, કર્મચારીઓ અને આંગણવાડી કાર્યકર્તાઓએ લાભાર્થીઓને વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી અને સરકારની સેવાઓનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી હતી. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.





