મોરબી ખાતે લાયન્સ ક્લબ ઓફ મોરબી-નઝરબાગ, ઇડન ગ્રુપ તથા રાકજા પરિવારના સંયુક્ત ઉપક્રમે સ્વ. ધવલભાઈ રાકજાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે તા. 17/06/2026ના રોજ સ્વામિનારાયણ સંસ્કારધામ, GIDC ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
સતત છ વર્ષથી યોજાતા આ સેવાકીય કાર્યક્રમનો પ્રારંભ સવારે 8:00 વાગ્યે સ્વામિનારાયણ મંદિરના સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પરિણામે કુલ 121 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં મોરબી સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકની ટીમ પણ જોડાઈ હતી અને સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. કેમ્પને સફળ બનાવવા માટે ઇડન ગ્રુપ, રાકજા પરિવાર, લાયન્સ ક્લબ ઓફ મોરબી-નઝરબાગ તેમજ પી. જી. પટેલ કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમના અંતે ડો. ખીમજીભાઈ રાકજા તથા રાકજા પરિવાર દ્વારા સંસ્કાર બ્લડ બેંક, મોરબી સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકની ટીમ તેમજ રમેશભાઈ પટેલ સહિત તમામ સહયોગીઓ અને રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રક્તદાન જેવા મહાદાન દ્વારા અનેક જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળી રહે તેવા શુભ આશય સાથે યોજાયેલ આ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.





