આયોજન અંગે કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ; સંબંધિત વિભાગોને સુચારુ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા દિશાનિર્દેશો કરાયા
જિલ્લા કક્ષા ઉપરાંત મહાનગરપાલિકા કક્ષાએ તથા તમામ તાલુકા અને નગરપાલિકા સ્તરે નિયત સ્થળોએ યોગ સાધનાના કાર્યક્રમ યોજાશે
૨૧ જૂનના રોજ ‘વિશ્વ યોગ દિવસ’ ની મોરબી જિલ્લામાં વ્યાપક સ્તરે ઉજવણી કરવાના સુચારુ આયોજન અન્વયે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
મોરબી જિલ્લા કક્ષાનો મુખ્ય યોગ દિવસનો કાર્યક્રમ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરવામાં આવનાર છે. જે અન્વયે યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત તમામ સંબંધિત વહીવટી વિભાગોના અધિકારીઓને કાર્યક્રમ સ્થળે સ્ટેજ વ્યવસ્થા, સુદ્રઢ બેઠક વ્યવસ્થા, પીવાનું પાણી, પાર્કિંગ સુવિધા, ટ્રાફિક નિયમન અને અન્ય તમામ મહત્વની આનુસંગિક વ્યવસ્થાઓ સમયસર અને આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવા માટે કલેક્ટરશ્રીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચરે જરૂરી સૂચનો કર્યા હતા.
સમગ્ર જિલ્લામાં તાલુકા અને નગરપાલિકા સ્તરે પણ કાર્યક્રમોના સ્થળો નિયત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત મોરબી મહાનગરપાલિકાનો કાર્યક્રમ દેવ ફાર્મ ખાતે યોજાશે. જ્યારે ટંકારા તાલુકા અને નગરપાલિકાનો સંયુક્ત કાર્યક્રમ ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે, હળવદનો કાર્યક્રમ મહર્ષિ ગુરુકુળ ખાતે, વાંકાનેરનો કાર્યક્રમ ટાઉનહોલ ગ્રાઉન્ડ (માર્કેટ ચોક) ખાતે તેમજ માળિયાનો સંયુક્ત કાર્યક્રમ સત્યસાંઈ વિદ્યામંદિર (પીપળીયા ચાર રસ્તા) ખાતે યોજાશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી, મોરબી પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવત, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોની અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





