રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પડધરી પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ સામે અસરકારક કાર્યવાહી હાથ ધરી ઇંગ્લિશ દારૂના મોટા જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે દરોડા દરમિયાન કુલ 1,395 બોટલ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ સાથે રૂ. 2,51,100નો મુદ્દામાલ કબજે કર્યો છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS), રાજકોટ રેન્જના માર્ગદર્શન હેઠળ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર (IPS)ની સૂચના અનુસાર પ્રોહીબિશન અને જુગાર વિરોધી ઝુંબેશ અંતર્ગત આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વધુમાં ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પડધરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. ચૌહાણની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે આ સફળ કામગીરી કરવામાં આવી હતી.
પોલીસને મળેલી બાતમીના આધારે પડધરી તાલુકાના મોટા ખીજડીયા ગામે રહેતા પંકજ ઉર્ફે પકો જગદીશભાઈ દાફડાની વાડી ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન વેચાણ અર્થે રાખવામાં આવેલ ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો કબજે કરી આરોપી વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)ઇ, 116(બી) તથા 81 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કેસમાં આરોપી તરીકે પંકજ ઉર્ફે પકો જગદીશભાઈ દાફડા (ઉ.વ. 37, રહે. મોટા ખીજડીયા, તા. પડધરી, જી. રાજકોટ)ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય એક આરોપી ગોરધનભાઈ આલાભાઈ દાફડા (રહે. કાલાવડ રોડ, કણકોટના પાટીયે, રાજકોટ) હાલ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે અને તેની શોધખોળ ચાલુ છે.
આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ્પેક્ટર એ.એસ. અગ્રાવત, એ.એસ.આઈ. પુનીતભાઈ અગ્રાવત તેમજ પોલીસ કોન્સ્ટેબલ વસંતભાઈ ભુંડીયા, અબ્બાસભાઈ ભારમર, કુલસિંહ ઝાલા, સાગરભાઈ ખટાણા અને ખોડુભા ગોહીલ સહિતના સર્વેલન્સ સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.
પડધરી પોલીસની આ કામગીરીને પ્રોહિબિશન વિરોધી ઝુંબેશમાં મહત્વની સફળતા માનવામાં આવી રહી છે.





