તા. 23/06/2026ના રોજ ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયત મોરબીના મહિલા આરોગ્ય અને બાળ વિકાસ અધિકારી જલ્પાબેન ત્રિવેદી તથા સિટી મામલતદાર પ્રશાંતભાઈ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત C.R.C. કો-ઓર્ડિનેટર દુષ્યંતભાઈ મારવાણીયા તેમજ પી.ડી. કાંજીયા સહિતના મહાનુભાવો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
મહાનુભાવોના વરદ હસ્તે આંગણવાડી તથા બાલવાટિકાના નાનાં ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવી તેમના શૈક્ષણિક જીવનની શુભ શરૂઆત કરાવવામાં આવી હતી.
આ પ્રસંગે ખાખરાળા ગામની જ શાળામાં અભ્યાસ કરેલા પી.ડી. કાંજીયા દ્વારા પોતાના વતનની શાળા પ્રત્યેની લાગણી વ્યક્ત કરી વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, સ્ટેશનરી કીટ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓને ભરપેટ નાસ્તો પણ આપવામાં આવ્યો હતો.
પી.ડી. કાંજીયાએ જણાવ્યું હતું કે જે શાળામાં ભણીને જીવનમાં આગળ વધવાનો અવસર મળ્યો, તે જ શાળાનું ઋણ ચૂકવવાનો આ સુવર્ણ અવસર મળ્યો છે, જે તેમના માટે ગૌરવની બાબત છે.
સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો અને વિદ્યાર્થીઓ, વાલીઓ તથા ગ્રામજનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.


