મોરબી: સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) શાખા દ્વારા શહેરના તમામ વોર્ડમાં IEC (Information, Education & Communication) જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
અભિયાન દરમિયાન નાગરિકોને ઘરેથી જ ભીનો અને સૂકો કચરો અલગ રાખવાની પદ્ધતિ, ચાર ડસ્ટબિનનો યોગ્ય ઉપયોગ, સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગથી થતા નુકસાન, જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા તેમજ સ્વચ્છતા જાળવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર IEC એક્ટિવિટીનો મુખ્ય હેતુ નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો, કચરાના સ્ત્રોતે જ તેના વિભાજનને પ્રોત્સાહન આપવાનો તેમજ શહેરને વધુ સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવાનો છે. ઘન કચરાના અસરકારક વ્યવસ્થાપન માટે સ્ત્રોતે જ કચરાનું વિભાજન અને જનજાગૃતિને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
મોરબી મહાનગરપાલિકાએ શહેરના તમામ નાગરિકોને આ અભિયાનમાં સક્રિય સહભાગી બનવા, પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવા અને સ્વચ્છ તથા હરિયાળા મોરબીના નિર્માણમાં સહયોગ આપવા અપીલ કરી છે.


