સ્કૂલના વાલીઓના WhatsApp ગ્રુપ હેક કરી ધાકધમકીથી રૂપિયા પડાવનાર સિરિયલ સાયબર ઠગ મોરબી સાયબર ક્રાઇમના હાથે ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી: મોરબી સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે. સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓના WhatsApp ગ્રુપ હેક કરી સ્કૂલ ફી, ભાવનાત્મક બ્લેકમેઇલ અને જાનથી મારી નાખવાની ધમકી આપી લાખો રૂપિયાની ખંડણી માંગનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક, મોરબીના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક (એસ.સી./એસ.ટી. સેલ)ની દેખરેખમાં મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આરોપી કેવી રીતે કરતો હતો ઠગાઈ?

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ફરિયાદીના સંતાનો મોરબીની નાલંદા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. આરોપી સ્કૂલ સંચાલકના નામે મહિલાઓને ફોન કરી ઓટીપી મેળવી તેમનું WhatsApp હેક કરતો હતો. ત્યારબાદ તે સ્કૂલના વાલીઓના WhatsApp ગ્રુપમાં જોડાયેલા સભ્યોને સ્કૂલ ફીના બહાને, ભાવનાત્મક બ્લેકમેઇલ કરી અથવા ધાકધમકી આપી રૂપિયા પડાવવાનો પ્રયાસ કરતો હતો.

આરોપીએ એક કેસમાં રૂ. 30,000 પડાવ્યા હતા, જ્યારે અન્ય એક વાલીને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ. 10 લાખની ખંડણી માંગી હતી. ઉપરાંત મોરબીની ઈ-ઝોન સ્કૂલના વાલીઓ તેમજ બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના WhatsApp ગ્રુપ હેક કરી પણ ઠગાઈ કરવાનો પ્રયાસ કર્યો હતો.

ટેક્નિકલ તપાસથી આરોપી ઝડપાયો

મોરબી સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર કે કે દરબાર અને ટીમે ટેક્નિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સિસના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસમાં સામે આવ્યું કે આરોપી અગાઉ પણ આવા 13 ગુનાઓ આચરી ચૂક્યો છે અને ગુનો કર્યા બાદ ગોવા ભાગી જતો હતો. તેમજ ઓળખ ટાળવા માટે મોટાભાગે ટ્રેનના જનરલ ડબ્બામાં મુસાફરી કરતો હતો.

આ તમામ વિગતોના આધારે સાયબર ક્રાઇમ ટીમે તા. 14 જુલાઈ, 2026ના રોજ આરોપીને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને વધુ તપાસ ચાલુ છે.

ઝડપાયેલ આરોપી

પ્રિતેશ ઉર્ફે ગોગી મહેશભાઈ પ્રજાપતી

આરોપીનો મોડસ ઓપરેન્ડી

આરોપી ટ્રુકોલર મારફતે મહિલાઓના મોબાઇલ નંબર મેળવી તેમને ફોન કરતો હતો. ત્યારબાદ “ભૂલથી તમારા નંબર પર ઓટીપી આવ્યો છે” કહી ઓટીપી મેળવી WhatsApp હેક કરતો હતો. ત્યારબાદ સ્કૂલ અથવા સંસ્થાના સંચાલક તરીકે ઓળખ આપી વાલીઓ પાસેથી સ્કૂલ ફી, ઇમોશનલ બ્લેકમેઇલ અથવા ધાકધમકીના આધારે રૂપિયા પડાવવાનો પ્રયાસ કરતો હતો.

પોલીસની અપીલ

મોરબી સાયબર ક્રાઇમ પોલીસે જનતાને અપીલ કરી છે કે કોઈપણ અજાણ્યા વ્યક્તિને ક્યારેય OTP શેર ન કરો. ફોન પર મળતી કોઈપણ શંકાસ્પદ માંગણી અંગે સતર્ક રહો. તમારી સાવધાની અને સતર્કતા જ તમારી સાયબર સુરક્ષાની સૌથી મોટી ચાવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW