મોરબીના વૈભવ હાઇટ્સ ફ્લેટમાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા, રૂ.1.18 લાખનો મુદ્દામાલ જપ્ત
મોરબીના ઉમા ટાઉનશીપ સ્થિત વૈભવ હાઇટ્સ ફ્લેટમાં ચાલી રહેલા તીન પત્તીના જુગાર પર એલ.સી.બી. મોરબી અને પેરોલ ફર્લો સ્કવોડની સંયુક્ત ટીમે દરોડો પાડી 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.1,18,500 તથા ગંજીપતાના પાના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ઝડપાયેલા આરોપીઓમાં અમીતભાઈ મનુભાઈ ઠોરીયા (મોરબી), પરેશભાઈ દયાળજીભાઈ પારેખ (મોરબી), રમેશભાઈ સામજીભાઈ જીવાણી (રસનાળ, જી. જામનગર), હાર્દિકભાઈ પ્રાણજીવનભાઈ ગોરીયા (શનાળા), જીતેશભાઈ નાથાભાઈ ઝાલા (મોરબી) અને દિલીપભાઈ રતનભાઈ સંગાડા (મોરબી)નો સમાવેશ થાય છે.
ખાનગી બાતમીના આધારે પોલીસે વૈભવ હાઇટ્સના ફ્લેટ નંબર 204 ખાતે દરોડો પાડતા આરોપીઓ પૈસાની હારજીત સાથે તીન પત્તીનો જુગાર રમતા મળી આવ્યા હતા. તમામ આરોપીઓ સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી પોલીસ અધિક્ષક મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. મોરબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા કરવામાં આવી હતી.


