મોરબી ગૌરવ સમાચારના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું, યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાતા વિદ્યાર્થીઓ સહિત સ્થાનિકોને મોટી રાહત
મોરબી તાલુકાના ધરમપુર ગામે નવા ધરમપુરથી જુના ધરમપુરને જોડતો પુલ વરસાદના કારણે ધોવાઈ જતા છેલ્લા કેટલાક સમયથી સ્થાનિકો સહિત વાહનચાલકો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ખાસ કરીને નવા ધરમપુરથી જુના ધરમપુર અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓનો રસ્તો બંધ થઈ જતા તેઓ નિયમિત અભ્યાસથી વંચિત રહેવાની સ્થિતિ સર્જાઈ હતી.
આ સમગ્ર સમસ્યા અંગે મોરબી ગૌરવ સમાચાર દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરી તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. અહેવાલમાં પુલની જર્જરિત અને ધોવાઈ ગયેલી સ્થિતિને કારણે વાહનચાલકોને ફરતો ફેરો કરવો પડતો હોવા ઉપરાંત વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ ગંભીર અસર પડી રહી હોવાનું પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર દ્વારા તાત્કાલિક નોંધ લઈ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. પુલના રસ્તાનું જરૂરી રિપેરિંગ કામ પૂર્ણ કરી માર્ગને ફરીથી રાબેતા મુજબ વાહન વ્યવહાર માટે શરૂ કરવામાં આવ્યો છે.
પુલ શરૂ થતાં નવા ધરમપુરથી જુના ધરમપુર અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને હવે શાળાએ જવા માટે લાંબો ચક્કર કાપવાની જરૂર નહીં રહે અને તેમનું શિક્ષણ કાર્ય પણ ફરી નિયમિત થઈ શકશે. સાથે જ સ્થાનિક વાહનચાલકો અને ગ્રામજનોને પણ મોટી રાહત મળી છે.
મોરબી ગૌરવ સમાચારના અહેવાલની અસરથી તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરાતા સ્થાનિકોમાં હાશકારો જોવા મળ્યો છે. ગ્રામજનોએ સમસ્યાને ઉજાગર કરી તંત્ર સુધી પહોંચાડવા બદલ મોરબી ગૌરવ સમાચારનો આભાર વ્યક્ત કર્યો હતો.


