મોરબી: દેશની સરહદો પર પરિવારથી દૂર રહીને દેશની સુરક્ષા કરતા જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના હેતુથી દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ, મોરબી દ્વારા અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. “એક દોર સૈનિક કે નામ” નામનું આ અભિયાન ત્રીજી વખત યોજાઈ રહ્યું છે.
આ અભિયાન અંતર્ગત આગામી 22 અને 23 ઓગસ્ટ, 2026ના રોજ શાળાની વિદ્યાર્થીનીઓ ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા નડાબેટ બોર્ડર ખાતે પહોંચશે અને સરહદ પર ફરજ બજાવતા જવાનોના કાંડા પર રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરશે.
દેશની રક્ષા માટે પોતાના પરિવાર અને બહેનોથી દૂર રહીને સરહદ પર તૈનાત જવાનોને રાખડી બાંધીને મોરબીની બહેનો તરફથી પ્રેમ, લાગણી અને કૃતજ્ઞતાનો સંદેશ પાઠવવામાં આવશે. આ અભિયાન માત્ર રાખડી બાંધવા પૂરતું નહીં પરંતુ “દેશના જવાનો આપણા પરિવારનો હિસ્સો છે” તેવા ભાવને ઉજાગર કરતું બનશે.
સમગ્ર મોરબીને જોડવાનો પ્રયાસ
આ અભિયાનમાં સમગ્ર મોરબીને જોડવા માટે દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ દ્વારા આવતીકાલથી મોરબી શહેરના વિવિધ સ્થળોએ રાખડી સંગ્રહ કેન્દ્રો શરૂ કરવામાં આવશે. જેમાં સ્કાય મોલ, કેપિટલ માર્કેટ, મહારાણા પ્રતાપ સર્કલ સહિતના સ્થળોનો સમાવેશ થાય છે.
શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ વિવિધ સંગ્રહ કેન્દ્રો પર રહીને મોરબીની બહેનો પાસેથી સૈનિકોના નામે રાખડીઓ એકત્ર કરશે. મોરબીની બહેનો પણ આ અભિયાનમાં જોડાઈને પોતાના હાથે રાખડી આપી દેશના જવાનો પ્રત્યે પ્રેમ અને આભાર વ્યક્ત કરી શકશે.
“એક દોર… સૈનિકોના નામે” અભિયાનના માધ્યમથી મોરબીથી સરહદ સુધી પ્રેમ, લાગણી અને દેશભક્તિનો દોર જોડાશે. દેશની સુરક્ષા માટે દિવસ-રાત ખડેપગે રહેતા જવાનોને મોરબીની બહેનો તરફથી મળનારી આ રાખડી તેમના માટે સ્નેહ અને હિંમતનો સંદેશ બની રહેશે.


