મોરબીમાં જાગૃત નાગરિકની સતર્કતાથી મહિલાને સમયસર મળી મદદ
મોરબીમાં એકલી આમતેમ રખડતી જોવા મળેલી મહિલાને 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે સમયસર મદદ પહોંચાડી સહી સલામત પરિવારજનો સુધી પહોંચાડવામાં સફળતા મેળવી હતી.
મળતી માહિતી મુજબ, 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં એક જાગૃત નાગરિક દ્વારા ફોન કરી જાણ કરવામાં આવી હતી કે, એક અજાણી મહિલા છેલ્લા ઘણા સમયથી એકલી રખડતી જોવા મળી રહી છે અને તેમને મદદની જરૂરિયાત છે. માહિતી મળતા જ 181 અભયમ ટીમના કાઉન્સેલર પટેલ સેજલબેન, મહિલા કોન્સ્ટેબલ શીતલબેન તથા પાયલોટ યુવરાજસિંહ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.
ટીમે સૌપ્રથમ મહિલાને સાંત્વના આપી સુરક્ષિત જગ્યાએ બેસાડ્યા હતા. ત્યારબાદ સંવેદનશીલતાપૂર્વક વાતચીત કરી મહિલાની પરિસ્થિતિ અને પરિવાર અંગેની પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે, આશરે 12 મહિના અગાઉ તેમના લવ મેરેજ થયા હતા. ત્યારબાદ આશરે છ મહિના અગાઉ તેમના પતિનું અવસાન થયું હતું. પતિના અવસાન બાદ પિયર પક્ષ દ્વારા તેમને પોતાના ઘરે લઈ જવામાં આવ્યા હતા. જોકે, મહિલા સાસરીમાં પરત ફર્યા બાદ સાસરી પક્ષે તેમને સાથે રાખવાનો ઇનકાર કરતા તેઓ એકલા આમતેમ રખડતા હોવાનું જાણવા મળ્યું હતું.
આ સમગ્ર મામલે 181 અભયમ ટીમ દ્વારા મહિલાના જણાવેલા સરનામે પહોંચી પરિવારજનો સાથે વાતચીત કરી યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. મહિલાને જરૂરી કાયદાકીય માહિતી, સલાહ અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
દરમિયાન મહિલાએ નજીકમાં રહેતી પોતાની બહેનના ઘરે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી 181 અભયમ ટીમ દ્વારા મહિલાને સહીસલામત તેમની બહેનને સોંપવામાં આવી હતી. સાથે જ બહેનને મહિલાની સુરક્ષા, જરૂરિયાતો અને યોગ્ય સંભાળ અંગે જરૂરી સૂચનો તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આમ, જાગૃત નાગરિકની સતર્કતા અને 181 અભયમ ટીમની સમયસર કામગીરીના કારણે એકલી રખડતી મહિલાને સુરક્ષિત આશ્રય અને પરિવારનો સહારો મળ્યો હતો. મહિલાના પરિવારજનોએ પણ 181 અભયમ ટીમની સંવેદનશીલ કામગીરી બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.


