સાયબર ક્રાઇમ ટીમે ગણતરીના દિવસોમાં મહેસાણાથી ત્રણ આરોપીઓને ઝડપી રૂ. 61 લાખ રિકવર કર્યા
મોરબીના વેપારીના પુત્રને સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવી મોટા આર્થિક ફાયદાની લાલચ આપી રૂ. 86,25,950ની છેતરપિંડી આચરનાર ગેંગના ત્રણ આરોપીઓને મોરબી સાયબર ક્રાઇમ ટીમે ગણતરીના દિવસોમાં મહેસાણા જિલ્લામાંથી ઝડપી પાડ્યા છે. પોલીસે છેતરપિંડીમાં ગયેલી રકમ પૈકી રૂ. 61 લાખ રિકવર કરી આગળની તપાસ હાથ ધરી છે.
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મોરબી ખાતે તા. 08/09/2026ના રોજ ગુનો નોંધાયો હતો. ફરિયાદીના પુત્રને આરોપીઓએ ફોન કરી સ્ટોક માર્કેટમાં રોકાણથી મોટા નફાની અલગ અલગ સ્કીમોની માહિતી આપી જાળમાં ફસાવ્યો હતો. મે-જૂન 2026 દરમિયાન બેન્ક તથા આંગડિયા પેઢી મારફતે કુલ રૂ. 86,25,950 ટ્રાન્સફર કરાવ્યા બાદ આરોપીઓએ રકમ ઓળવી જતા છેતરપિંડીની જાણ થઈ હતી.
ફરિયાદના આધારે મોરબી સાયબર ક્રાઇમ ટીમે ટેકનિકલ માધ્યમો અને હ્યુમન સોર્સીસની મદદથી તપાસ હાથ ધરી મહેસાણા જિલ્લામાં કાર્યવાહી કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
અટક કરાયેલા આરોપીઓ:
1. નિતીન બળદેવભાઈ રબારી (ઉ.વ. 25), રહે. કમાલપુર, તા. વિજાપુર, જિ. મહેસાણા.
2. ભલાભાઈ લાલાભાઈ રબારી (ઉ.વ. 49), રહે. કમાલપુર, તા. વિજાપુર, જિ. મહેસાણા.
3. કશ્યપજી ઉર્ફે ચકો અમરશીજી ઠાકોર (ઉ.વ. 26), રહે. હિરાપુરા (નળુ), તા. ખેરાલુ, જિ. મહેસાણા.
ઠગાઈની મોડસ ઓપરેન્ડી
આરોપીઓ દ્વારા નવયુવાનોને ફોન કરી સ્ટોક માર્કેટમાં રોકાણની લોભામણી સ્કીમો બતાવી મોટા આર્થિક ફાયદાના સપના બતાવવામાં આવતા હતા. ત્યારબાદ અલગ અલગ બેન્ક એકાઉન્ટ, UPI ID તથા આંગડિયા પેઢી મારફતે રકમ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરવામાં આવતી હોવાની પોલીસ તપાસમાં વિગતો સામે આવી છે. ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા તપાસ ચાલુ છે.
સાયબર ક્રાઇમ ટીમની અપીલ
અજાણ્યા ફોન, ઈ-મેઇલ કે સોશિયલ મીડિયા મારફતે સ્ટોક માર્કેટ, IPO અથવા એકના ડબલની લોભામણી સ્કીમોમાં રોકાણ ન કરવું. સ્ટોક માર્કેટમાં રોકાણ માટે સરકાર માન્ય બ્રોકરેજ ફર્મનો જ ઉપયોગ કરવો. સાયબર છેતરપિંડીનો ભોગ બનતા તાત્કાલિક હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ કરવી.


