પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના ઉત્સાહભેર રક્તદાનથી ૭૬ બોટલ રક્ત એકત્ર કરાયું
મોરબી : પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, સરહદી રેન્જ, ભુજ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક કે.પી. પરમાર, મુખ્ય મથક, મોરબીના માર્ગદર્શન હેઠળ “સેવા મેરા યોગદાન” સ્કીમ અંતર્ગત સ્વૈચ્છિક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ મોરબી પોલીસ હેડક્વાર્ટર ખાતે રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. ચૌહાણ દ્વારા આ રક્તદાન શિબિર યોજવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લા પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું.
આ રક્તદાન કેમ્પમાં મોરબી જિલ્લા સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓ માટે કુલ ૭૬ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.
રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર, મોરબી દ્વારા જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ, મોરબી સંચાલિત સિવિલ હોસ્પિટલના સહયોગથી આ સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેમ્પ દરમિયાન રક્તદાતાઓને સ્વૈચ્છિક રક્તદાન અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ રક્તદાન કરી માનવસેવા અને સમાજ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ સમગ્ર આયોજનથી જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તની ઉપલબ્ધતા વધારવામાં મહત્વનું યોગદાન મળ્યું હતું.


