‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જિલ્લામાં ૩૦ જેટલા ‘સેવા સેતુ’ કાર્યક્રમો યોજાશે
પ્રજાની આરોગ્ય સુખાકારી માટે મોરબીમાં રાજકોટ એઈમ્સ દ્વારા મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ અને નશામુક્તિ અભિયાન યોજાશે
પ્રગતિ હેઠળના વિકાસકામોની સમીક્ષા કરી કલેક્ટર સ્વપ્નિલ ખરેએ આપ્યા જરૂરી સૂચનો
મોરબી, તા. ૧૮ સપ્ટેમ્બર: મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
બેઠક દરમિયાન જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરી, પ્રજાના પ્રશ્નો તેમજ પ્રગતિ હેઠળના વિકાસકામોની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા પ્રવાસન સમિતિ, જિલ્લા તકેદારી સમિતિ અને જિલ્લા પુરવઠા સમિતિ સહિતની બેઠકો પણ પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનના ૨૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાનારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ લોકોને તેમના ઘરઆંગણે જ વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓના લાભ મળી રહે તે માટે મોરબી જિલ્લામાં અંદાજે ૩૦ જેટલા ‘સેવા સેતુ’ કાર્યક્રમો યોજવા માટે જરૂરી આયોજન કરવા સૂચના આપી હતી.
સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ મોરબી જિલ્લાના નાગરિકોની આરોગ્ય સુખાકારીને ધ્યાનમાં રાખીને રાજકોટની એઈમ્સના સહયોગથી જિલ્લાકક્ષાનો મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવા તેમજ નશામુક્તિ અભિયાન હાથ ધરવા સૂચન કર્યું હતું.
આ તકે કલેક્ટર સ્વપ્નિલ ખરેએ વિવિધ સરકારી વિભાગો અને કચેરીઓની કામગીરી તેમજ પ્રગતિ હેઠળના વિકાસકામોની વિગતવાર સમીક્ષા કરી હતી. સરકારી કચેરીઓ માટે જમીન માંગણી, પેન્શન કેસ, આયોજનના કામો, પ્રવાસન સ્થળોના વિકાસકામો, ‘નમો વન’ ફેઝ-૩ના વિકાસકામો, ઈ-સરકાર પેન્ડન્સી, મધ્યાહન ભોજન સહિતના વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠકમાં દબાણો દૂર કરવા, જમીનની માપણી સહિતના વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નો રજૂ થયા હતા. સંબંધિત અધિકારીઓ દ્વારા પ્રશ્નોના સમયસર નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી.


