ડાંગ LCBની મોટી કાર્યવાહી: ભારત-નેપાળ બોર્ડર નજીકથી આરોપી ઝડપાયો, આશરે 4,000 કિ.મી.ની મુસાફરી કરી ટીમે આરોપીને આહવા લાવ્યો
આહવા: ડાંગ જિલ્લાના આહવા પોલીસ મથકમાં વર્ષ 2008માં નોંધાયેલા 13 વર્ષની સગીરાના અપહરણ અને બળાત્કારના ગંભીર ગુનામાં છેલ્લા 18 વર્ષથી ફરાર વોન્ટેડ આરોપીને ડાંગ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે ઉત્તરપ્રદેશમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડથી લાંબા સમયથી વણઉકેલ રહેલા આ ગુનામાં પોલીસને મહત્વની સફળતા મળી છે.
સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ (IPS) દ્વારા “નો વોન્ટેડ ઇન સાઉથ ગુજરાત” અભિયાન અંતર્ગત નાસતા-ફરતા તથા વોન્ટેડ આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ અન્વયે ડાંગ પોલીસ અધિક્ષક શ્રીમતી પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.
આ કામગીરી દરમિયાન LCBના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.જી. અનડકટ તથા ટીમને બાતમી મળી હતી કે, વર્ષ 2008માં આહવા તાલુકાના ચિંચલી ગામની 13 વર્ષની સગીરાને લલચાવી-ફોસલાવી અપહરણ કરી નેપાળ લઈ જનાર અને બળાત્કારના ગુનામાં 18 વર્ષથી ફરાર આરોપી હાલમાં ઉત્તરપ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં ભારત-નેપાળ બોર્ડર નજીક ઇલેક્ટ્રિક રિક્ષામાં ભંગારનો વ્યવસાય કરી રહ્યો છે.
બાતમીના આધારે LCBની ટીમ ઉત્તરપ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં ભારત-નેપાળ બોર્ડર વિસ્તારમાં પહોંચી હતી. ટીમે બોર્ડર વિસ્તારમાં પગપાળા તેમજ ઇલેક્ટ્રિક રિક્ષામાં મુસાફરી કરીને સતત રેકી હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી જે ઇલેક્ટ્રિક રિક્ષાનો ઉપયોગ કરતો હતો તેને ઓળખી કાઢવામાં આવી હતી.
ત્યારબાદ પોલીસે આરોપીની ઓળખ અને હિલચાલની ખરાઈ કરી ઇલેક્ટ્રિક રિક્ષાનો પીછો કર્યો હતો. અંતે ભારત-નેપાળ બોર્ડરથી આશરે દોઢ કિલોમીટર દૂર આવેલા મીઠવલ ગામ, બર્ડપુર-3, સિદ્ધાર્થનગર, ઉત્તરપ્રદેશ ખાતેથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પકડાયેલ આરોપીની ઓળખ રામલક્ષ્મણ ઉર્ફે લક્ષ્મણ રાધેશ્યામ બનીયા ઉર્ફે અગ્રહરી, ઉંમર 42 વર્ષ, રહે. મીઠવલ (બર્ડપુર-3) ગામ, તા./જિ. સિદ્ધાર્થનગર, ઉત્તરપ્રદેશ તરીકે થઈ છે.
પોલીસે સિદ્ધાર્થનગર કોર્ટમાંથી આરોપીના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા બાદ આશરે 4,000 કિલોમીટર જેટલી મુસાફરી કરીને આરોપીને આહવા-ડાંગ ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે આહવા પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે.
ડાંગ LCBની ટીમની આ કામગીરીને સુરત રેન્જ IG પ્રેમવીર સિંહના “નો વોન્ટેડ ઇન સાઉથ ગુજરાત” અભિયાન હેઠળ મહત્વની સફળતા માનવામાં આવી રહી છે. 18 વર્ષથી પોલીસને ચકમો આપતા આરોપીને ભારત-નેપાળ બોર્ડર નજીકથી ઝડપી પાડવામાં LCBની ટીમની સતત રેકી અને મેદાની તપાસ મહત્વપૂર્ણ સાબિત થઈ છે.


