રવાપર ગામની સરદાર પટેલ સોસાયટીમાં નવા બની રહેલા મકાનમાં ચાલતા જુગાર પર મોરબી સીટી એ ડિવિઝન પોલીસની કાર્યવાહી
મોરબી: મોરબી શહેરમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા તેમજ ગુનાખોરીને ડામવા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રવાપર ગામની સરદાર પટેલ સોસાયટીમાં નવા બની રહેલા રહેણાક મકાનમાં દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસને સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ ₹7,85,000નો મુદ્દામાલ મળી આવતાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, બોર્ડર રેન્જના આઈ.જી.પી. ચિરાગ કોરડિયા તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલની સૂચના અને મોરબી ડિવિઝનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક વી.બી. દલવાડીના માર્ગદર્શન હેઠળ દારૂ-જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
આ દરમિયાન મોરબી સીટી એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. જાડેજાને ખાનગી રાહે બાતમી મળી હતી કે, રવાપર ગામની સરદાર પટેલ સોસાયટીમાં રહેતો જયદીપભાઈ ગોવિંદભાઈ બકુત્રા પોતાના નવા બની રહેલા રહેણાક મકાનમાં બહારથી માણસોને બોલાવી જુગાર રમવા માટે સાધનો પૂરા પાડે છે અને પોતાના અંગત આર્થિક લાભ માટે નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે.
આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતાં સાત ઇસમો ગંજીપાનાં વડે રોકડ રકમનો હારજીતનો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ ₹7,85,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે સાતેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જુગારના કેસમાં ઝડપાયેલા સાત આરોપીઓ
1. જયદીપભાઈ ગોવિંદભાઈ બકુત્રા – રહે. સરદાર પટેલ સોસાયટી, રવાપર ગામ, મોરબી.
2. સંદીપભાઈ જગદીશભાઈ શેરશિયા – રહે. રવાપર મેઈન શેરી, મોરબી.
3. આશિષભાઈ ભગવાનજીભાઈ ડાંગર – રહે. ચિત્રકૂટ સોસાયટી, રવાપર, મોરબી.
4. ભાવિનભાઈ ગિરીશભાઈ કારિયા – રહે. ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ, એમ-58/327, શનાળા રોડ, મોરબી.
5. રાજેશભાઈ ગોવિંદભાઈ બકુત્રા – રહે. શ્રદ્ધા પાર્ક, ગાયત્રીનગર પાછળ, વાવડી રોડ, મોરબી.
6. કિશનભાઈ દેવદાનભાઈ કુંભારવાડિયા – રહે. સરદાર સોસાયટી, શેરી નં. 3, રવાપર ગામ, મોરબી.
7. ભાવેશભાઈ હીરાભાઈ જીલરિયા – રહે. સરદાર પટેલ સોસાયટી, રવાપર, મોરબી.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસની આ કાર્યવાહીથી જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.


