એસ.ઓ.જી. અને એ.આર.સી. ટીમની કાર્યવાહી, રૂ. ૨૧ હજારનો મુદ્દામાલ કબજે
મોરબી: મોરબી શહેરમાં ચોરીના બનાવો અટકાવવા અને વણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી દરમિયાન એસ.ઓ.જી. અને એ.આર.સી. સેલની ટીમે રેલવે સ્ટેશન રોડ પર આવેલી બે મોબાઈલ દુકાનોમાંથી અલગ-અલગ કંપનીના કુલ ૪૨ મોબાઈલ ફોન કબજે કર્યા છે. મોબાઈલ ફોનના બિલ કે અન્ય આધાર પુરાવા રજૂ ન કરી શકતાં બે દુકાનધારકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ કચ્છ-ભુજ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. અને એ.આર.સી. સેલની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન મોરબી રેલવે સ્ટેશન રોડ પર આવેલી નિલકંઠ મોબાઈલ અને શિવશક્તિ એસેસરીઝ નામની બે દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન બંને દુકાનોમાંથી અલગ-અલગ કંપનીના કુલ ૪૨ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસ દ્વારા મોબાઈલ ફોનના બિલ તથા માલિકી અંગેના આધાર પુરાવા માંગવામાં આવતાં દુકાનધારકો સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા અને તેમની પાસે જરૂરી દસ્તાવેજો ન હોવાનું જણાવ્યું હતું.
આથી પોલીસે શંકાસ્પદ મોબાઈલ ફોન ચોરી કે છળકપટથી મેળવેલા હોવાની આશંકાના આધારે કુલ રૂ. ૨૧,૦૦૦ની કિંમતના ૪૨ મોબાઈલ ફોન બી.એન.એસ.એસ.ની કલમ ૧૦૬(૧) હેઠળ કબજે કર્યા હતા. બંને દુકાનધારકો સામે બી.એન.એસ.એસ.ની કલમ ૩૫(૧)(ઈ) મુજબ કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
કાર્યવાહી દરમિયાન પકડાયેલા દુકાનધારકો
૧. ગજેન્દ્રસિંહ ભોપાલસિંહ ધવેશા, રહે. લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ, ફ્લેટ નં. ૩૦૨, સામાકાંઠે, મોરબી-૨.
૨. વિષ્ણુભાઈ સમનારામજી ચૌધરી, રહે. વાવડી રોડ, ગાયત્રીનગર, હરિ પાર્ક સોસાયટી, મોરબી.
કબજે કરાયેલ મુદ્દામાલ: અલગ-અલગ કંપનીના કુલ ૪૨ મોબાઈલ ફોન, કિંમત રૂ. ૨૧,૦૦૦.
આ સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



