મોરબી સીટી એ ડિવિઝન પોલીસની કાર્યવાહી : ચાર આરોપીઓની ધરપકડ, એક આરોપી હજુ પોલીસ પકડથી દૂર
મોરબી શહેરમાં સોશિયલ મીડિયા મારફતે વેપારીને હનીટ્રેપમાં ફસાવી ખંડણી માંગવાના બનાવમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપીને પકડવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મોરબીના રવાપર રોડ વિસ્તારમાં રહેતા અને હાર્ડવેરનો વ્યવસાય કરતા નરેશભાઈ ચુનીલાલભાઈ નકુમને ઇન્સ્ટાગ્રામ પર ‘કાજલ પરમાર.47’ નામના એકાઉન્ટ પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. ત્યારબાદ કાજલ પરમાર સાથે વાતચીત થયા બાદ આરોપીઓએ ફરિયાદીને તેમની બહેન સાથે કેમ વાતચીત કરો છો તેમ કહી પંચાસર ચોકડી પાસે બોલાવ્યા હતા.
ત્યાં આરોપીઓ રાજુભાઈ ઉર્ફે કિશનભાઈ મુછડીયા, તેજશભાઈ ઉર્ફે તેજો પઢારિયા, ભીમજીભાઈ પરમાર અને ભાવેશભાઈ કંઝારિયાએ ભેગા મળી ફરિયાદી પાસે રૂ. 50 લાખની માંગણી કરી હતી. અંતે રૂ. 12 લાખમાં સમાધાન નક્કી કરવામાં આવ્યું હતું.
જોકે, ફરિયાદી દ્વારા પૈસા નહીં આપતા રાજુભાઈ ઉર્ફે કિશનભાઈ અને કાજલબેન પરમાર ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા અને કાજલબેનને તેમના ઘરે મૂકી જશે તેવી વાત કરી માર મારવાની ધમકી આપી પૈસાની ઉઘરાણી કરી હતી. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
પોલીસની કાર્યવાહીમાં ચાર આરોપીઓ ઝડપાયા
પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ ભુજ, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલની સૂચના તેમજ ઇન્ચાર્જ વિભાગીય પોલીસ અધિક્ષક એસ.એમ. સારડાના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી એ ડિવિઝનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી. ઘેલાની સૂચના મુજબ પોલીસે કાર્યવાહી કરી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.
ઝડપાયેલા આરોપીઓ
* રાજુભાઈ ઉર્ફે કિશનભાઈ મોમજીભાઈ મુછડીયા, રહે. જાંબુડિયા, ધર્મસૃષ્ટિ સોસાયટી, મૂળ વાઘરવા, તા. માળિયા.
* તેજશભાઈ ઉર્ફે તેજો રમેશભાઈ પઢારિયા, રહે. નાના રામપર, તા. ટંકારા.
* ભીમજીભાઈ મહાદેવભાઈ પરમાર, રહે. રવાપર, રાખોડની વાડી, મોરબી.
* કાજલબેન વા/ઓ ભરતભાઈ પરમાર, રહે. જૂની પીપળી, સાનિધ્ય પાર્ક સોસાયટી, તા. મોરબી.
એક આરોપી હજુ ફરાર
આ ગુનામાં સંડોવાયેલા ભાવેશભાઈ મનસુખભાઈ કંઝારિયા, રહે. ધર્મધરતી સોસાયટી, દલવાડી સર્કલ, મોરબીની ધરપકડ કરવાની બાકી છે. પોલીસે હાલ ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી વેપારીને ફસાવી લાખો રૂપિયાની ખંડણી માંગવાના આ બનાવમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસની કાર્યવાહી ચર્ચાસ્પદ બની છે.







