મોરબીમાં એકલા મળી આવેલા ભૂલા પડેલા વૃદ્ધ માજીની 181 અભયમ ટીમે પરિવાર સાથે મુલાકાત કરાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
જાગૃત નાગરિકની જાણના આધારે 181 અભયમ ટીમના કાઉન્સેલર સેજલબેન પટેલ, મહિલા કોન્સ્ટેબલ શીતલબેન અને પાયલોટ વિરમભાઈ તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા. વૃદ્ધ માજી ઉંમરના કારણે યોગ્ય રીતે બોલી કે ચાલી શકતા ન હોવાથી ટીમે ધીરજપૂર્વક તેમની સાથે વાતચીત કરી હતી.
લાંબી શોધખોળ બાદ વૃદ્ધ માજીએ જેતપર ગામનું નામ જણાવતા ટીમ તેમને ત્યાં લઈ ગઈ હતી, જ્યાં તેમના પરિવારજનો મળી આવ્યા હતા. ત્યારબાદ વૃદ્ધ માજીને તેમના પુત્રને સહી સલામત સોંપવામાં આવ્યા હતા.
181 અભયમ ટીમે પરિવારજનોને વૃદ્ધ માતાની ખાસ કાળજી રાખવા અને તેમને એકલા બહાર ન જવા દેવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. પરિવારજનોએ 181 અભયમ ટીમની સંવેદનશીલ અને સરાહનીય કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.







