ચોટીલા હાઈવે પર દારૂનો મોટો જથ્થો ઝડપાયો: ટ્રકમાંથી 34,800 બીયરના ટીન સાથે રૂ.58.55 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ રેન્જ ટીમની મોટી કાર્યવાહી, રાજસ્થાનના ટ્રક ચાલકની ધરપકડ; માલ મોકલનાર શેઠ સહિત ત્રણ શખ્સો વોન્ટેડ
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમદાવાદ-ચોટીલા હાઈવે પર આણંદપર ચોકડી નજીક રાજકોટ રેન્જની ટીમે પ્રોહિબિશન અંગેની મોટી કાર્યવાહી કરી છે. રાજસ્થાન પાસિંગના ટાટા ટ્રક નંબર RJ-19-GC-6579 માંથી અલગ-અલગ બ્રાન્ડના ભારતીય બનાવટના બીયરના કુલ 34,800 ટીન (1,450 પેટી) મળી આવ્યા હતા. પોલીસે બીયરના જથ્થા સહિત ટ્રક અને અન્ય સામાન મળી કુલ રૂ.58,55,300નો મુદ્દામાલ કબજે કરી ટ્રકચાલકની ધરપકડ કરી છે.
આગામી સમયમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાનાર હોવાથી રાજકોટ રેન્જ હેઠળના જિલ્લાઓમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે અને પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ આવે તે હેતુથી નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) દ્વારા આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડવા સૂચના આપવામાં આવી હતી.
જેના અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પી.એન. મોરી, શ્રી બી.સી. મિયાત્રા, શ્રી એસ.પી. ગોહિલ, શ્રી એ.વાય. ઉધાસ તથા તેમની ટીમ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે વોચ ગોઠવવામાં આવી હતી.
દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.સી. મિયાત્રા તથા તેમની ટીમે અમદાવાદ-ચોટીલા હાઈવે પર આણંદપર ચોકડી નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી મુજબનો ટાટા ટ્રક પસાર થતાં તેને રોકીને તપાસ કરવામાં આવી હતી. ટ્રકમાંથી અલગ-અલગ બ્રાન્ડના ભારતીય બનાવટના બીયરના 34,800 ટીન, કિંમત રૂ.43,50,000નો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ટ્રકચાલક પ્રેમારામ ભવરલાલ ખોડ (રહે. હરીનગર, તા. બાલેશ્વર, જિ. જોધપુર, રાજસ્થાન)ને ઝડપી પાડ્યો હતો. બીયરના જથ્થા ઉપરાંત ટ્રક, મોબાઇલ ફોન, તાડપત્રી અને ટ્રકને લગતા કાગળો સહિત કુલ રૂ.58,55,300નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આરોપીઓ સામે ગુનો નોંધાયો
આ પ્રકરણમાં પોલીસે ટ્રકચાલક પ્રેમારામ ભવરલાલ ખોડની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓને પકડવાના બાકી છે. જેમાં માલ ભરી આપનાર મોબાઇલ નંબરધારક શેઠ, શ્રવણ જાટ (રહે. આગોલય, તા. બાલેશ્વર, જિ. જોધપુર, રાજસ્થાન) તથા ટ્રક માલિક પુખરાજ ભાખરારામ વિશ્નોઇ (રહે. ભીલો કી ઢાણી, બારાસણ, ગુડામાલાણી, રાજસ્થાન)નો સમાવેશ થાય છે.
આ મામલે ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આટલો મોટો બીયરનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતની બાબતો અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.







