અપૂરતી ફાયર સેફ્ટી વ્યવસ્થા ધરાવતી બિલ્ડીંગોને નોટિસ ફટકારાઈ; નાગરિકોને આગથી બચવા અને ફાયર સાધનોના યોગ્ય ઉપયોગ અંગે માર્ગદર્શન અપાયું
મોરબી શહેરમાં આગની દુર્ઘટનાઓને રોકવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા ફાયર સેફ્ટી અંગે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તા. ૧૮/૧૧/૨૦૨૬ થી ૨૪/૧૧/૨૦૨૬ દરમિયાન શહેરમાં કુલ ૦૪ સ્થળોએ આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી, જેમાં ફાયર વિભાગના જવાનોએ સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી કરી હતી.
આ ઉપરાંત, ફાયર પ્રિવેન્શનના ભાગરૂપે મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા વિવિધ બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ તેમજ ફાયર સેફ્ટી સિસ્ટમના ઇન્સ્ટોલેશન અંગે ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન ફાયર સેફ્ટીની અપૂરતી વ્યવસ્થા ધરાવતી બિલ્ડીંગોને નોટિસ આપવામાં આવી હતી. સાથે જ જરૂરી સુધારા કરવા, ફાયર સેફ્ટી સંબંધિત સૂચનો અને માર્ગદર્શિકા પણ આપવામાં આવી હતી.
આ સમયગાળા દરમિયાન એક ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ (FSPA) માટેની અરજી પણ પ્રાપ્ત થઈ હતી, જેને જરૂરી કાર્યવાહી માટે આર.એફ.ઓ. કચેરીમાં મોકલી આપવામાં આવી છે.
ફાયર વિભાગની આ કામગીરીનો મુખ્ય હેતુ મોરબીના નાગરિકો અને સંસ્થાઓને ફાયર સેફ્ટી અંગે જાગૃત કરવાનો, આગ બુઝાવવાનાં સાધનોનો યોગ્ય ઉપયોગ શીખવવાનો તેમજ કોઈપણ ઇમરજન્સી સમયે તાત્કાલિક મદદ મેળવી શકાય તે અંગે માહિતગાર કરવાનો છે. સમયસર ફાયર વિભાગનો સંપર્ક કરવાથી નાની-મોટી આગની દુર્ઘટનાઓને વિકરાળ બનતી અટકાવી શકાય છે અને જાનમાલનું નુકસાન ટાળી શકાય છે.
આગ કે અન્ય કોઈપણ ઇમરજન્સીની ઘટના બને ત્યારે મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના નંબરો પર તાત્કાલિક સંપર્ક કરવા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
ઇમરજન્સી સંપર્ક નંબર:
– મોરબી ફાયર સર્વિસ: (૦૨૮૨૨) ૨૩૦૦૫૦
– ફાયર ઇમરજન્સી: ૧૦૧
– ઇમરજન્સી હેલ્પલાઇન: ૧૧૨







