બળદગાડા, ઘોડા ગાડી, ઊંટ, વિન્ટેજ કાર, નાસિક ઢોલ, રાસમંડળી અને લાકડી દાવના આકર્ષણ સાથે સામૈયુ નીકળ્યું : 15 હજારથી વધુ લોકોએ ઉમટી લગ્ન માણ્યા : સંગીત કાર્યક્રમમાં નામી કલાકારોએ સુરો રેલાવ્યા : અનેક જાગૃતિ અને સેવાકીય આયોજનો પણ કરાયા
મોરબી : મોરબીમાં મચ્છુ કાંઠા હાલાર રબારી સમાજના સંગઠન એવા શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા લીલાપર- કેનાલ રોડ ઉપર રામકો રેસિડેન્સી પાસે આવેલ ઉમિયા નવરાત્રી ગ્રાઉન્ડમાં ચતુર્થ સમૂહ લગ્નોત્સવ યોજાયા હતા. આ લગ્નોત્સવમાં 42 દીકરીઓએ ધામધૂમથી પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. અંદાજે 15 હજારથી પણ વધુ મહેમાનોએ હાજરી આપી આ લગ્નોત્સવ માણ્યો હતો
શ્રી વડવાળા મંદિર- દુધરેજના મહામંડલેશ્વર પૂ. કમોરામદાસજી બાપુ ગુરૂ કલ્યાણદાસજી બાપુમાં આશીર્વાદથી આયોજિત લગ્નોત્સવમાં રામબાલકદાસજી બાપુ ગુરૂ પુરણદાસજીબાપુ અને પૂ. બંસીદાસજી બાપુ ગુરુ જીણારામદાસજી બાપુ તેમજ દુધરેજ મંદિરના કોઠારી પૂ. મૂકુંદરામ બાપુ સહિત મોટી સંખ્યામાં સંતો-મહંતોએ ઉપસ્થિત રહી આશિવર્ચન આપ્યા હતા. આ વેળાએ સમાજ રત્ન અને દાનવીર એવા રાજ્યસભાના સાંસદ બાબુભાઇ દેસાઈ, ધારાસભ્યો કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઇ સોમાણી સહિત અનેક રાજકીય આગેવાનો અને અધિકારીઓની પણ પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી.
સમૂહ લગ્નમાં સર્કિટ હાઉસથી લઈ બાપા સીતારામ ચોક સુધી મોટી સંખ્યામાં કાર અને બાઇકની રેલી નીકળી હતી. ત્યારબાદ બાપા સીતારામ ચોકથી સામૈયુ શરૂ થયું હતું. જેમાં 30 બગી, 30 ઘોડા, 1 ઉટ, 2 બળદગાડા અને 5 વિન્ટેજ કાર તેમજ 200 કાર અને 300 બાઇક સહિતના આકર્ષણો હતા. ખૂબ મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો જોડાયા હતા. આ સામૈયામાં નાસિક ઢોલ અને રાસમંડળીના આયોજન સાથે લાકડી દાવ અને પરંપરાગત રાસની રઝમટ બોલી હતી. સામૈયા દરમિયાન રસ્તામાં પાણી અને શરબત સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સામૈયા બાદ જાન આગમનની વિધી, દુલ્હનની એન્ટ્રી, હસ્તમેળાપ સહિતની લગ્ન વિધિ ભવ્યતાથી યોજાઈ હતી.
સમુહલગ્નમાં રાત્રે ભવ્ય સંગીત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સુપ્રસિદ્ધ લોકગાયિકા રસ્મિતાબેન રબારી, ગાયક દેવપગલી, માલધારી મોરલો અને દાંડિયા કિંગ તરીકે જાણીતા યુનુસભાઈ શેખ, લોકગાયિકા મિતલબેન રબારી વિશ્વાબેન રબારી અને કુલદીપ રબારીના સુરના સથવારે મોટી સંખ્યામાં લોકો રાસ ગરબે રમ્યા હતા. આ કાર્યકમનું સંચાલન શૈલેષભાઇ રાવલે કર્યું હતું.
આ ભવ્ય સમૂહ લગ્નને સફળ બનાવવા શ્રી વડવાળા યુવા સંગઠનના દેવેનભાઈ રબારીના માર્ગદર્શન હેઠળ લગ્નોત્સવ સમિતિના પ્રમુખ સોહનભાઈ રબારી, હીરાભાઈ ખાંભલા, મોતીભાઈ કરોતરા, વશરામભાઈ રબારી, અશ્વિનભાઈ રબારી, હર્ષદભાઈ ખાંભલા, દિનેશભાઇ રબારી, નવઘનભાઈ રબારી,હરેશભાઈ રબારી,મેરૂભાઈ રબારી અને અશોલભાઈ ખાંભલા સહિતનાએ ખુબ જહેમત ઉઠાવી હતી. કુલ 1500થી વધુ સ્વયમ સેવકોની ટિમ સેવા માટે ખડેપગે રહી હતી.
1000થી વધુ લોકોએ દેહદાન, અંગદાન અને વ્યસન મુક્તિના સંકલ્પ લીધા
સમૂહ લગ્નમાં આવનાર દરેક લોકોના આરોગ્યની સંભાળ રાખવા માટે અહીં મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં નિષ્ણાંત તબીબોની ટિમે સેવા આપી હતી. સાથે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ, અંગદાન અને દેહદાન જાગૃતિના સંકલ્પ લેવડાવ્યા હતા. નવયુગલો સહિત 1000થી વધુ લોકોએ આ સંકલ્પ લીધા હતા. આ સાથે કુરિવાજોને તિલાંજલી આપવાના પણ સંકલ્પ લેવામાં આવ્યા હતા.
લગ્ન કરનાર દીકરી – દીકરાના ગામમાં 100-100 વૃક્ષોનું વાવેતર કરાયું
આ સમૂહ લગ્નમાં જે દીકરા અને દીકરીઓના લગ્ન થયા હતા તે તમામના ગામમાં લગ્નના આગલા દિવસે શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા 100-100 વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું અને તે વૃક્ષોને ઉછેરવાની જવાબદારી જે તે ગામના યુવાનોને સોંપવામાં આવી છે. વધુમાં લગ્નમાં આવનાર દરેક મહેમાનોને બોન્સાઇ વુક્ષ ભેટ પણ આપવામાં આવી હતી.