મોરબી : શહેરની સૌંદર્યવૃદ્ધિ, સ્વચ્છતા તથા નાગરિકોને સુવ્યવસ્થિત શહેરી પર્યાવરણ ઉપલબ્ધ થાય તે હેતુસર મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય પ્રવેશદ્વારો સમાન ગણાતા ત્રણ મહત્વના બ્રીજોના રંગરોગન તથા સુશોભનનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું, જે કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે શનાળા બ્રીજ, માળિયા ફાટક નજીક આવેલ બ્રીજ તથા ત્રાજપર ચોકડી ખાતે આવેલા બ્રીજ પર આકર્ષક અને દૃષ્ટિઆનંદદાયક કલર કોમ્બિનેશન સાથે ગુણવત્તાસભર પેન્ટિંગ કાર્ય કરવામાં આવ્યું છે. નવી રંગસજ્જાથી બ્રીજોની ભવ્યતા વધતા શહેરમાં પ્રવેશતા નાગરિકો અને મુલાકાતીઓને સ્વચ્છ, સુશોભિત અને આધુનિક મોરબીનું પ્રતિબિંબ અનુભૂતિ થાય છે.
આ કામગીરી શહેરના સર્વાંગી વિકાસ, શહેરી સૌંદર્યમાં વધારો તથા જાહેર માળખાકીય સુવિધાઓના સંવર્ધન પ્રત્યે મહાનગરપાલિકાના દૃઢ સંકલ્પને પ્રતિબિંબિત કરે છે. બ્રીજોની રંગરોગન કામગીરી માત્ર દેખાવ પૂરતી સીમિત ન રહી, પરંતુ સંરક્ષણાત્મક દૃષ્ટિએ પણ લાભદાયક સાબિત થશે.
મહાનગરપાલિકા દ્વારા આવનારા સમયમાં શહેરના અન્ય જાહેર સ્થળો અને સુવિધાઓના બ્યુતીફિકેશન માટે પણ સમાન પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.
શહેરના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ શહેરની સ્વચ્છતા અને સૌંદર્ય જાળવવા સહભાગી બને તેમજ જાહેર સંપત્તિનું સંરક્ષણ કરી પોતાની નાગરિક ફરજ નિભાવે.





