વાંકાનેર તાલુકાના લીંબાળા ગામની સીમમાં આવેલા એક વાડીના ઓરડામાં ચાલી રહેલા જુગારધામ પર મોરબી LCB અને પેરોલ-ફર્લો સ્ક્વોડ દ્વારા સફળ દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરતા સ્થળ પરથી જુગાર રમતા કુલ ૭ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસે સ્થળ પરથી કુલ રૂપિયા ૧,૫૩,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા ઈસમોમાં ઇરફાનભાઇ હનિફભાઇ બ્લોચ મકરાણી, દિપકભાઇ ઉર્ફે બટક દેવશીભાઇ હડાણી, સંદિપભાઇ ઉર્ફે કાનો રમણીકભાઇ માણેક, મેહુલભાઇ વિનયચન્દ્ર મારૂ, આરીફભાઇ હનિફભાઇ બ્લોચ મકરાણી, અમિતભાઇ ઉર્ફે ઘટલો અરવિંદભાઇ સોલંકી અને વિપુલભાઇ રમેશભાઇ ચૌહાણનો સમાવેશ થાય છે.
દરોડા દરમિયાન એક શખ્સ રાજુભાઇ કોળી (રહે. લીંબાળા ગામ) સ્થળ પરથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો, જેને પકડવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.





