(અહેવાલ મયંક દેવમુરારી)
મોરબી: શહેરની ઐતિહાસિક ઓળખ સમાન લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ નજીક મોરબી મહાનગરપાલિકા દ્વારા ₹81.30 લાખના અંદાજિત ખર્ચે આધુનિક સુવિધાઓ સાથે ગાર્ડન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. આ પ્રોજેક્ટ દ્વારા વિસ્તારને એક આકર્ષક અને સુવિધાસભર જાહેર સ્થળ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત હેરિટેજ અને આધુનિકતા વચ્ચે સુંદર સમન્વય સાધવામાં આવશે. ખાસ કરીને હેરિટેજ વિઝિટર સેન્ટર જૂની ઇમારતની મૂળ રચનાને જાળવી રાખીને તૈયાર કરવામાં આવશે, જે વિસ્તારની ઐતિહાસિક ઓળખને જાળવી રાખશે.
ગાર્ડનમાં કુદરતી લાલ માટીના વોકવે બનાવવામાં આવશે, જેમાં પદયાત્રીઓ અને વાહનો માટે અલગ માર્ગ વ્યવસ્થા રાખવામાં આવશે. વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ માટે અર્ધવર્તુળાકાર એમ્ફી થિયેટર સાથે કુદરતી પથ્થરની બેઠકો પણ તૈયાર કરવામાં આવશે, જે સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ માટે ઉપયોગી સાબિત થશે.
સાથે સાથે, સમગ્ર પરિસરમાં હેરિટેજ લેમ્પ પોસ્ટ અને ઊર્જા બચત કરતી LED લાઈટિંગ દ્વારા રાત્રિના સમયે આકર્ષક લુક આપવામાં આવશે. ગાર્ડનને હરિયાળું બનાવવા માટે લોન, વિવિધ પ્રકારના છોડ અને ગ્રાઉન્ડ કવર પ્લાન્ટેશન કરવામાં આવશે.
આ ઉપરાંત, હેરિટેજ થીમને અનુરૂપ ઓછી ઊંચાઈની બાઉન્ડ્રી વોલ સાથે ઇન્ટિગ્રેટેડ લાઈટિંગની સુવિધા પણ ઉભી કરવામાં આવશે.
પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ એલ.ઈ. કોલેજ વિસ્તારની સુંદરતા અનેકગણી વધશે અને વિદ્યાર્થીઓ તેમજ નાગરિકો માટે અભ્યાસ, આરામ અને મનોરંજન માટેનું આદર્શ કેન્દ્ર બની રહેશે.





