વાંકાનેર તાલુકામાં પ્રોહીબીશન હેઠળ ચાલી રહેલી ખાસ ડ્રાઈવ દરમિયાન પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. તરકીયા ગામની સીમ વિસ્તારમાં ખરાબાની જગ્યામાં દેશી દારૂ બનાવવાના ઠંડા આથો સાથે એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે.
રાજકોટ રેન્જ આઈ.જી.પી. નિર્લીપ્ત રાય તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એમ.એન. પટેલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડા દ્વારા પ્રોહીબીશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી છે. હાલ જિલ્લામાં પ્રોહીબીશન ડ્રાઈવ પણ સક્રિય રીતે ચાલી રહી છે.
આ સૂચનાઓના અનુસંધાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.વી. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલી બાતમીના આધારે ટીમે તરકીયા ગામની સીમમાં દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસને દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો આશરે 1600 લીટર (કિંમત રૂ. 40,000) મળી આવ્યો હતો. સ્થળ પરથી વિજયભાઈ ભુપતભાઈ મકવાણા (રહે. તરકીયા ગામ સીમ, તા. વાંકાનેર, જી. મોરબી) ને ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા કબ્જે કરાયેલ આથો સ્થળ પર જ ઢોળી નાશ કરવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
વાંકાનેર તાલુકા પોલીસની આ કામગીરીથી વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના ધંધા કરતા તત્વોમાં હડકંપ મચી ગયો છે.




