મોરબી જિલ્લાના માળીયા (મીંયાણા) વિસ્તારમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. પશુને ખવડાવવાના ભુસાના બાચકા નીચે સંતાડીને લઈ જવાતો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં લાખો રૂપિયાનું મુદામાલ જપ્ત કરવામાં આવ્યું છે.
માળીયા મીંયાણા પોલીસના સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માહિતી મુજબ હળવદ તરફથી ગાંધીધામ (કચ્છ) તરફ જતો RJ-36-GA-9858 નંબરનો ટાટા કંપનીનો બંધ બોડી ટ્રક દારૂના જથ્થા સાથે પસાર થવાનો હતો. જેના આધારે આશીષ હોટલ સામે રોડ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી.
થોડા સમય બાદ સંદિગ્ધ ટ્રક મળી આવતા તેની તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાં ભુસાના બેગ નીચે સંતાડીને રાખવામાં આવેલી અલગ-અલગ બ્રાન્ડની દારૂની કુલ ૬૬૭૨ બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ.૨૧,૦૭,૨૦૦ જેટલી થાય છે. સાથે જ ટ્રક સહિત કુલ રૂ.૪૦,૧૬,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
પકડાયેલ આરોપીનું નામ દરીયાવસિંહ લખાસિંહ રાવત , રહે. બીલીયાવાસ, તા. બાર શેખાવાસ, જી. બ્યાવર (રાજસ્થાન) હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
કબ્જે કરાયેલ મુદ્દામાલમાં સમાવેશ:
૪૮૦૦ બોટલ “UNCLE TOM PURE GRAIN VODKA” (૭૫૦ મી.લી.) – રૂ.૧૮,૨૦,૦૦૦
૧૮૭૨ નંગ “BLUE STROKE Whisky” (૧૮૦ મી.લી.) – રૂ.૧,૮૭,૨૦૦
૪૦૦ ભુસાના બેગ (કવરિંગ માટે)
મોબાઇલ ફોન, રોકડા રૂપિયા ૪૦૦૦, ફાસ્ટેગ કાર્ડ અને દસ્તાવેજો
ટાટા ટ્રક (નં. RJ-36-GA-9858) – રૂ.૧૯,૦૦,૦૦૦
પોલીસની આ કામગીરીથી ગેરકાયદેસર દારૂના ધંધામાં સંડોવાયેલા તત્વોમાં ખળભળાટ મચી ગયો છે.




