અગાઉ બોગસ ટોલનાકું ચલાવવાના ગુનામાં પણ પકડાઈ ચૂકેલો આરોપી, બુલેટ સાથે સોંપાયો વાંકાનેર સીટી પોલીસને
મોરબી જિલ્લાના વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોટી નંબર પ્લેટ લગાવી બુલેટ મોટરસાયકલ ચલાવનાર એક શખ્સને રાજકોટ રેન્જ ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી અગાઉ ડુપ્લિકેટ (બોગસ) ટોલનાકું ચલાવવાના ગુનામાં પણ પકડાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS)ના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા તથા ગેરકાયદેસર રીતે પ્રજામાં ધાક જમાવવાના પ્રયાસ કરતા ઇસમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન. મોરી, બી.સી. મીયાત્રા, સી.એમ. કાંટેલીયા તથા તેમની ટીમ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે સતત વોચ રાખવામાં આવી રહી હતી.
દરમિયાન PSI બી.સી. મીયાત્રા તથા સ્ટાફના અનિરુદ્ધસિંહ જાડેજા, વકારભાઈ અરબ અને ડ્રાઈવર સતીશભાઈને મળેલી બાતમીના આધારે વાંકાનેર-મોરબી હાઈવે પર વઘાસીયા ગામ નજીક આવેલી આઈમાતા હોટલના મેદાનમાંથી આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા (રહે. જુના વઘાસીયા, તા. વાંકાનેર, જી. મોરબી) ને ઝડપી પાડવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીના કબ્જામાં રહેલી બુલેટ મોટરસાયકલનો અસલી નંબર GJ-01-UE-9888 હોવા છતાં તેણે GJ-01-UD-9 નંબરની ખોટી નંબર પ્લેટ બનાવડાવી બુલેટ પર લગાવી હતી અને તેનો ખરા નંબર તરીકે ઉપયોગ કરી રહ્યો હતો.
આ મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નંબર 524/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023ની કલમ 336(2), 336(3) અને 340(2) મુજબ ગુનો નોંધાવવામાં આવ્યો છે. આરોપી તથા તેની બુલેટ મોટરસાયકલને વધુ કાયદેસરની કાર્યવાહી માટે વાંકાનેર સીટી પોલીસને સોંપવામાં આવ્યા છે.




