મોરબી તાલુકા પોલીસને દેશીદારૂના જથ્થા સામે વધુ એક સફળતા મળી છે. મોરબી તાલુકાના વાંકડા ગામની સીમ વિસ્તારમાં આવેલા કાચા રસ્તા પરથી દેશીદારૂનો મસમોટો જથ્થો ભરેલી મહેન્દ્રા કંપનીની TUV 300 કાર ઝડપી પાડી પોલીસે રૂ. 5.60 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
મળતી માહિતી મુજબ, પોલીસ ઇન્સ્પેક્ટર, મોરબી તાલુકાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પ્રોહિબિશન અને જુગાર સંબંધિત પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે સફેદ રંગની મહેન્દ્રા TUV 300 કારમાં નંબર પ્લેટ વગર ગેરકાયદેસર રીતે પાસ-પરમિટ વિના કેફી પીણું ભરીને માળીયા (મીં) તરફથી મોરબી તરફ લાવવામાં આવી રહ્યું છે.
આ બાતમીના આધારે પોલીસે વાંકડા ગામની સીમ વિસ્તારમાં કાચા રસ્તા પર વોચ ગોઠવી રેઇડ હાથ ધરી હતી. દરમિયાન શંકાસ્પદ કારને અટકાવી તપાસ કરતાં તેમાંથી દેશીદારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે કારમાંથી કુલ 800 લીટર દેશીદારૂ કિંમત રૂ. 1,60,000 તેમજ મહેન્દ્રા TUV 300 કાર કિંમત રૂ. 4,00,000 મળી કુલ રૂ. 5,60,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ઝડપાયેલી કાર ના એન્જિન નંબર અને ચેસીસ નંબર ના આધારે પોલીસે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.





