ટંકારા તાલુકાના જીવાપર (હરબટિયાળી) તથા છત્તર પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ગુજરાત સરકાર દ્વારા આયોજિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026 કાર્યક્રમનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન શાળામાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજ અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસનું શક્તિશાળી સાધન છે. બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળે અને તેઓ ભવિષ્યમાં દેશના જવાબદાર નાગરિક બને તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
આ પ્રસંગે માં સરસ્વતી દેવીના ચરણોમાં પ્રાર્થના કરી વિદ્યાર્થીઓના જ્ઞાન, પ્રગતિ અને સફળતાની કામના કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત મોરબીના પ્રમુખ ગીતાબેન રમેશભાઈ દુબરીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સંજયભાઈ શાહ, ટંકારા તાલુકા અધિકારી ભીમાણી તથા અગ્રણી પંકજભાઈ ગજેરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
શાળા પરિવાર, શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહકાર આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ હર્ષોલ્લાસ અને પ્રેરણાદાયી વાતાવરણ વચ્ચે સંપન્ન થયો હતો.


