મરણાસન્ન હાલતમાં હૃદય બંધ પડેલા દર્દીને સફળ સારવારથી મળ્યું નવજીવન
મોરબી: આયુષ હોસ્પિટલના ક્રિટિકલ કેર નિષ્ણાત ડૉ. સત્યજીતસિંહ જાડેજા અને તેમની ટીમે વધુ એક અત્યંત ગંભીર દર્દીને સફળ સારવાર આપી જીવ બચાવવાનો નોંધપાત્ર કારનામો કર્યો છે.
મળતી માહિતી મુજબ, તા. 23 જૂન, 2026ના રોજ આશરે 60 વર્ષના એક દર્દીને ગંભીર હાલતમાં આયુષ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા હતા. ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ તાત્કાલિક તપાસ કરતા દર્દીનું હૃદય ધબકવાનું બંધ થઈ ગયું હોવાનું અને શ્વાસ પણ અટકી ગયો હોવાનું નિદાન કર્યું હતું.
દર્દીની અત્યંત ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને હોસ્પિટલની મેડિકલ ટીમે વિલંબ કર્યા વગર CPR (કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન) શરૂ કર્યું. સતત પુનર્જીવન પ્રયાસોના પરિણામે દર્દીનું બંધ પડેલું હૃદય ફરી ધબકતું થયું અને ત્યારબાદ તેમને વેન્ટિલેટર પર રાખી સઘન સારવાર શરૂ કરવામાં આવી.
આગળની તપાસમાં દર્દીના હૃદય, ફેફસાં અને કિડની જેવા ત્રણેય મહત્ત્વના અંગોને ગંભીર નુકસાન થયું હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ (CO₂)નું પ્રમાણ અત્યંત વધી ગયું હતું, લોહીમાં એસિડનું પ્રમાણ જોખમી સ્તરે પહોંચી ગયું હતું તેમજ હિમોગ્લોબિનનું પ્રમાણ પણ ખૂબ ઓછું હતું. આવી અનેક જીવલેણ તકલીફો એકસાથે હોવા છતાં ડૉ. સત્યજીતસિંહ જાડેજાની આગેવાની હેઠળની સચોટ અને સઘન સારવારના પરિણામે દર્દીની તબિયતમાં સતત સુધારો નોંધાયો.
માત્ર આઠ દિવસની સારવાર બાદ દર્દી સંપૂર્ણ સ્વસ્થતા તરફ આગળ વધતા તેમને હોસ્પિટલમાંથી હસતા મોઢે રજા આપવામાં આવી હતી.
ક્રિટિકલ કેર ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, હૃદય બંધ પડી જવું અને શરીરના અનેક મહત્ત્વના અંગો એકસાથે ગંભીર રીતે અસરગ્રસ્ત થવા જેવી સ્થિતિ અત્યંત પડકારજનક ગણાય છે. આવા સંજોગોમાં દર્દીને બચાવવો તબીબી ટીમ માટે મોટી સિદ્ધિ માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે આયુષ હોસ્પિટલમાં ડૉ. સત્યજીતસિંહ જાડેજાની આગેવાની હેઠળ અગાઉ પણ અનેક ગંભીર અને મરણાસન્ન હાલતમાં આવેલા દર્દીઓને સફળ સારવાર દ્વારા નવજીવન આપવામાં આવ્યું છે, જેના કારણે દર્દીઓ અને તેમના પરિવારોમાં હોસ્પિટલ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.


