મોરબી: રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે (૧ જુલાઈ, ૨૦૨૬) નિમિત્તે શ્રી આર્યતેજ હોમિયોપેથી એન્ડ જનરલ હોસ્પિટલ, મોરબી (સંચાલિત: વિદ્યાપ્રેમવર્ધન એજ્યુકેશન ટ્રસ્ટ) દ્વારા મહેન્દ્રનગર સ્થિત રામધન આશ્રમ ખાતે નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય તપાસ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કુલ ૩૮ દર્દીઓએ નિઃશુલ્ક આરોગ્ય તપાસ, તબીબી પરામર્શ તેમજ હોમિયોપેથીક દવાઓનો લાભ લીધો હતો. કેમ્પનો મુખ્ય હેતુ સમાજના તમામ વર્ગ સુધી ગુણવત્તાયુક્ત, સુલભ અને અસરકારક હોમિયોપેથીક આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો હતો.
કેમ્પનું મુખ્ય આયોજન અને માર્ગદર્શન ડૉ. રાધિકા વ્યાસના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડૉ. હિરલ, ડૉ. રાજશ્રી અને ડૉ. ભૂમિકાએ દર્દીઓની આરોગ્ય તપાસ કરી જરૂરી તબીબી માર્ગદર્શન આપ્યું હતું તેમજ હોમિયોપેથીક સારવાર અને દવાઓનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા માટે બી.એચ.એમ.એસ. તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ નિમિષ, મંથન, શ્રેયાંશ, કૃપાલી, હિર્વા અને કૃતિક્ષાએ દર્દી નોંધણી, વ્યવસ્થાપન અને અન્ય વિવિધ કામગીરીમાં ઉત્સાહપૂર્વક સેવા આપી હતી. તેમના સહયોગથી સમગ્ર કેમ્પ સુવ્યવસ્થિત અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
શ્રી વિદ્યાપ્રેમવર્ધન એજ્યુકેશન ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સેવાકીય કાર્યક્રમને સ્થાનિક નાગરિકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. સંસ્થા દ્વારા ભવિષ્યમાં પણ સમાજહિતના આવા આરોગ્યલક્ષી અને જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન સતત કરવામાં આવશે તેવી જાણકારી આપવામાં આવી હતી.


