ખોટા દસ્તાવેજો અને બોગસ નંબર પ્લેટથી GST ચોરીનું કૌભાંડ ઝડપાયું, દેવભૂમિ દ્વારકા એલસીબીએ 7 આરોપીઓ ઝડપી પાડ્યા

Advertisement
Advertisement
Advertisement

દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબીએ સરકાર સાથે વિશ્વાસઘાત અને GSTની છેતરપિંડી કરવા માટે ખોટા દસ્તાવેજો તથા વાહનોની બોગસ નંબર પ્લેટ તૈયાર કરી કૌભાંડ આચરતી ટોળકીનો પર્દાફાશ કરી 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ રૂ. 58.86 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ. જોશી અને પીએસઆઈ બી.એમ. દેવમુરારીની ટીમ મિલ્કત સંબંધિત ગુનાઓ અને સરકાર સાથે છેતરપિંડીના ગુનાઓ અંગે કામગીરી કરી રહી હતી.

તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ઓખા ખાતે સિગ્નેચર બ્રિજના સ્ક્રેપના પરિવહનમાં ચાલતી મોટી છેતરપિંડીનો ભાંડો ફોડ્યો હતો. આરોપીઓએ એકસરખા દેખાવ ધરાવતી બે આઇસર ટ્રકો ભાડે રાખી હતી. એક ટ્રકમાં ભારે માત્રામાં લોખંડનો સ્ક્રેપ ભરવામાં આવ્યો હતો જ્યારે બીજી ટ્રકમાં માત્ર રેતી અને સિમેન્ટના બ્લોક્સ ભરી વજન સમાન દેખાય તે રીતે તૈયાર કરવામાં આવી હતી.

આરોપીઓએ ટ્રકની નંબર પ્લેટમાં માત્ર એક અંકનો ફેરફાર કરી ખોટી નંબર પ્લેટ લગાવી હતી. ત્યારબાદ ઓછી કિંમતના માલવાળી ટ્રકનો વજનકાંટો કરાવી તે આધારે સ્ક્રેપ ભરેલી ટ્રક માટે બોગસ ઇ-વે બિલ ઓનલાઇન તૈયાર કરવામાં આવતું હતું. આ રીતે સરકારને ચૂકવવાનો GST ટાળી સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવતી હતી.

એલસીબીની ટીમે બંને આઇસર ટ્રકોને ઝડપી પાડી તપાસ હાથ ધરતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. તપાસમાં ખોટી નંબર પ્લેટ, બોગસ ઇ-વે બિલ અને અન્ય ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરી ગુનો આચરવામાં આવ્યો હોવાનું સામે આવતા ઓખા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર કેસની વધુ તપાસ પીએસઆઈ કે.એમ. જાડેજા ચલાવી રહ્યા છે.

ઝડપાયેલા આરોપીઓ

પોલીસે વડોદરા, ભરૂચ, મુંબઈ અને ગીર સોમનાથ જિલ્લાના કુલ 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાં મુકેશભાઈ બજરંગલાલ સુથાર, રવિ કુંદનભાઈ મિશ્રા, નુરમિયા ઉર્ફે બબલુ પઠાણ, બબ્બનકુમાર શિવકુમાર ભારદ્વાજ, દેવાંશુ નારાયણભાઈ રાજપૂત, જયસુખ કાળાભાઈ વાઢેર તથા હિલેરી પોલ એન્ટોની કેસ્ટેલીનો સમાવેશ થાય છે.

કબજે કરાયેલ મુદ્દામાલ

પોલીસે બે આઇસર ટ્રક, એક મારુતિ સ્વિફ્ટ કાર, એક મહિન્દ્રા સ્કોર્પિયો, રૂ. 42 હજાર રોકડ, 11 મોબાઇલ ફોન, રેતી-સિમેન્ટના બ્લોક્સ તેમજ આશરે 28,700 કિલો લોખંડનો સ્ક્રેપ સહિત કુલ અંદાજે રૂ. 58.86 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ સમગ્ર કામગીરી એલસીબી દેવભૂમિ દ્વારકા, દ્વારકા પોલીસ સ્ટેશન, ઓખા પોલીસ સ્ટેશન, ટેકનિકલ સેલ અને નેત્રમ ટીમના સંયુક્ત પ્રયાસોથી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW