મોરબી: સામૂહિક દુષ્કર્મના ગંભીર ગુનામાં ફરાર મુખ્ય આરોપીને મોરબી એલસીબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી દિનેશભાઈ મધુભાઈ જખાનીયા રહે. માથક, તા. હળવદને ચોક્કસ બાતમીના આધારે ધ્રોલ-ભાદરા પાટીયા નજીકથી ગુનામાં વપરાયેલી મોટરસાયકલ સાથે ઝડપી મોરબી તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો હતો.
આ ગુનો જૂન મહિનામાં જેતપર અને ચકમપર ગામની સીમમાં પરપ્રાંતીય ખેતમજૂરોને નિશાન બનાવી લૂંટ અને બે મહિલાઓ પર સામૂહિક દુષ્કર્મ આચરવાના બનાવ સાથે સંકળાયેલો છે. અગાઉ આ કેસમાં ત્રણ આરોપી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર ઝડપાઈ ચૂક્યા હતા, જ્યારે મુખ્ય આરોપી ફરાર હતો.
પકડાયેલા આરોપી પાસેથી એક મોબાઇલ ફોન અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી મોટરસાયકલ મળી કુલ રૂ. 20,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપી સામે અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસે ખેડૂતો અને ખેતમજૂરોને સુરક્ષાની દૃષ્ટિએ મજબૂત રહેઠાણ, CCTV કેમેરા, રાત્રિ દરમિયાન સાવચેતી અને મહિલાઓ માટે સુરક્ષિત રોકાણની વ્યવસ્થા કરવા અપીલ કરી છે.


