વાંકાનેર સીટી પોલીસે ત્રણ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોને ઝડપી બે ચોરાયેલા મોટરસાયકલ કબજે કર્યા
મોરબી જિલ્લાના વાંકાનેર સીટી પોલીસે મોટરસાયકલ ચોરીના બે અલગ-અલગ ગુનાઓનો ભેદ ઉકેલી નોંધપાત્ર સફળતા મેળવી છે. પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ ચિરાગ કોરડિયા, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ તથા વિભાગીય પોલીસ અધિક્ષક વાંકાનેર ડિવિઝન એસ. એચ. સારડાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટના અનડિટેક્ટ ગુનાના ભેદ ઉકેલવા પ્રો. પોલીસ ઇન્સ્પેક્ટર પર્વતકુમારી આર. સોલંકીના નેતૃત્વ હેઠળ પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન ત્રણ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોને હસ્તગત કરવામાં આવ્યા હતા.
પોલીસે તેમની પાસેથી મળેલા બે મોટરસાયકલના રજિસ્ટ્રેશન અને ચેસીસ નંબરના આધારે તપાસ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન કિશોરોએ એક મોટરસાયકલ ભાવનગર જિલ્લાના ગારીયાધર વિસ્તારના ગામમાંથી અને બીજું મોટરસાયકલ મોરબી શહેરના શનાળા નજીકથી ચોરી કર્યું હોવાનું કબૂલ્યું હતું.
તપાસમાં જાણવા મળ્યું કે આ વાહનો અંગે નીચે મુજબના ગુનાઓ નોંધાયેલા હતા:
ગારીયાધર પોલીસ સ્ટેશન, ભાવનગર ખાતે ગુનો નોંધાયેલ
મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ
કબ્જે કરાયેલ મુદ્દામાલ
હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (રજી. નં. GJ-36-AE-8015) કિંમત રૂ. 30,000
હિરો HF ડીલક્સ મોટરસાયકલ કિંમત રૂ. 30,000
કુલ કબ્જે કરાયેલ મુદ્દામાલની કિંમત રૂ. 60,000 હોવાનું પોલીસે જણાવ્યું છે.
કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ
આ સફળ કામગીરીમાં પ્રો. પોલીસ ઇન્સ્પેક્ટર પર્વતકુમારી આર. સોલંકી, એએસઆઈ ધર્મેન્દ્રસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ પરમાર, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા તેમજ પોલીસ કોન્સ્ટેબલ રાણીંગભાઈ ખવડ, હિતેન્દ્રસિંહ ઝાલા, દર્શીતભાઈ વ્યાસ અને જગદીશભાઈ રંગપરાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
વાંકાનેર સીટી પોલીસની આ કામગીરીથી મોરબી અને ભાવનગર જિલ્લાના બે મોટરસાયકલ ચોરીના ગુનાઓનો સફળતાપૂર્વક ભેદ ઉકેલાયો છે અને ચોરાયેલો મુદ્દામાલ પરત મેળવવામાં આવ્યો છે.


