મોરબી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે. માળીયા મિયાણા તાલુકાના જુનાઘાટીલા ગામે માલઢોર ચરાવવા ગયેલા એક માલધારીનું ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી મોત નીપજ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, જુનાઘાટીલા ગામના રહેવાસી માલધારી રોજની જેમ પોતાના માલઢોરને ચરાવવા માટે ગામની સીમ વિસ્તારમાં ગયા હતા. દરમિયાન ભારે વરસાદને કારણે વહેતા પાણીના પ્રવાહમાં તેઓ ફસાઈ ગયા હતા. પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે તેઓ તણાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં ગામના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને શોધખોળ હાથ ધરી હતી. ત્યારબાદ સ્થાનિક તંત્ર અને પોલીસને જાણ કરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન માલધારીનો મૃતદેહ મળી આવતા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
ઘટનાને પગલે પોલીસ દ્વારા મૃતદેહનો કબજો લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભારે વરસાદ અને નદી-નાળાઓમાં આવેલા ઘોડાપૂરને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી રીતે પાણીના પ્રવાહ નજીક ન જવા અને સંપૂર્ણ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.


