ઘઉંની ખરીદી પણ મગફળી-ચણાની જેમ ખુલ્લી ખરીદી યોજના હેઠળ કરવા મોરબી જી.પં. પ્રમુખની મુખ્યમંત્રીને રજૂઆત

Advertisement
Advertisement
Advertisement

મોરબી: ઘઉંની ખરીદી પ્રક્રિયામાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા ઘઉંની ખરીદી પણ મગફળી અને ચણાની જેમ “ખુલ્લી ખરીદી યોજના” હેઠળ કરવા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

હાલમાં ઘઉંની ખરીદી FCI દ્વારા કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન ખેડૂતોને લાંબો સમય રાહ જોવી પડતી હોવા, પૂરતી વ્યવસ્થા ન હોવા અને ખરીદીમાં વિલંબ થતો હોવાની ફરિયાદો ખેડૂતો તરફથી કરવામાં આવી રહી છે.

રજૂઆતમાં જણાવ્યા મુજબ, ખરીદી પ્રક્રિયા સમયસર શરૂ ન થવાથી ખેડૂતોને લાંબી લાઈનમાં ઊભા રહેવું પડે છે. પૂરતા કર્મચારીઓના અભાવે પ્રક્રિયા ધીમી પડતી હોવાથી એક દિવસમાં ખરીદી પૂર્ણ ન થાય તો ખેડૂતોને બીજા દિવસે ફરી આવવાની ફરજ પડે છે. કેટલીક વખત રાત્રે રોકાવાની સ્થિતિ પણ સર્જાય છે.

આ ઉપરાંત ખેડૂતો માટે પાણી, ચા સહિતની મૂળભૂત સુવિધાઓનો અભાવ હોવાની ફરિયાદો પણ કરવામાં આવી છે. ખેડૂતોનો ઘઉં લાંબા સમય સુધી ખુલ્લામાં રહેતા વરસાદ સહિતના કારણોથી પાકને નુકસાન થવાની શક્યતા રહે છે. સમયસર ખરીદી ન થવાથી ખેડૂતોનો સમય, શ્રમ અને પરિવહન ખર્ચ પણ વધે છે.

રજૂઆતમાં જણાવાયું છે કે મગફળી, ચણા તથા અન્ય પાકોની ખરીદી NAFED અને GUJCOMASOL દ્વારા સંકલિત સેવા સહકારી મંડળીઓ મારફતે કરવામાં આવે છે. આ વ્યવસ્થામાં સ્થાનિક કક્ષાએ ખેડૂતો માટે સુવિધા અને સમયસર ખરીદીની કામગીરી કરવામાં આવે છે.

આથી ઘઉંની ખરીદી માટે પણ NAFED અને GUJCOMASOLની વ્યવસ્થાનો અભ્યાસ કરી ખેડૂતોને અનુકૂળ, પારદર્શક અને સુવ્યવસ્થિત ખુલ્લી ખરીદી વ્યવસ્થા અમલમાં મૂકવા મોરબી જિલ્લા પંચાયત ના પ્રમુખ ગીતાબેન દુબરિયા દ્વારા મુખ્યમંત્રીને વિનંતી કરવામાં આવી છે.

ખેડૂતોને લાંબી રાહ જોવી ન પડે, તેમનો માલ સુરક્ષિત રહે અને ખરીદી સમયસર પૂર્ણ થાય તે માટે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવા માંગ ઉઠી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW