પિતા-પુત્ર સહિત બે આરોપીઓ ચોરીના તમામ દાગીના સાથે ઝડપાયા :
મકાનના ભોંયતળિયે બનાવેલા પાણીના ટાંકામાં છુપાવ્યો હતો મુદ્દામાલ, રૂ.17.74 લાખનો મુદ્દામાલ કબજે
મોરબી : મોરબી શહેરમાં સરદાર રોડ ઉપર આવેલી રાધા કૃષ્ણ જવેલર્સ નામની સોનીની દુકાનમાં પાછળની દીવાલ તોડી બાકોરું પાડી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરનાર બે આરોપીઓને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે આરોપીઓના રહેણાંક મકાનના ભોંયતળિયે બનાવેલા પાણીના ટાંકામાં છુપાવેલો ચોરીનો તમામ મુદ્દામાલ તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ મોટરસાયકલ મળી કુલ રૂ.17.74 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
*દુકાનની પાછળની દીવાલ તોડી ચોરી*
મળતી માહિતી મુજબ, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરદાર રોડ ઉપર ફરિયાદીની રાધા કૃષ્ણ જવેલર્સ નામની સોનીની દુકાન આવેલી છે. તા.5 સપ્ટેમ્બર 2026ની રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઇસમે દુકાનની પાછળની દીવાલ તોડી તેમાં બાકોરું પાડ્યું હતું. ત્યારબાદ દુકાનમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ.17,24,000ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં.1768/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 305(એ) તથા 331(4) મુજબ ગુનો નોંધાયો હતો. ચોરીનો ગુનો અનડીટેક્ટ હોવાથી પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી.
250 જેટલા CCTV કેમેરા અને નેત્રમની મદદથી તપાસ
ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા બોર્ડર રેન્જ આઈ.જી.પી. ચિરાગ કોરડીયા તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલની સૂચના હેઠળ અને મોરબી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. જાડેજાએ સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.
પોલીસ ટીમોએ બનાવ સ્થળની આસપાસના આશરે 250 જેટલા CCTV કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા. આ ઉપરાંત મોરબી શહેરમાં લગાવવામાં આવેલા નેત્રમ CCTV કેમેરાની મદદ લેવામાં આવી હતી. પોલીસ દ્વારા હ્યુમન સોર્સીસ મારફતે પણ માહિતી એકત્રિત કરવામાં આવી હતી.
આ સમગ્ર તપાસ દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે મોરબીના વાવડી રોડ ઉપર શ્રીજી પાર્કમાં રહેતા કરીમભાઈ હાસમભાઈ માણેક તથા તેમના પુત્ર મુસ્તાકભાઈ કરીમભાઈ માણેક ચોરીના ગુનામાં સંડોવાયેલા છે.
પાણીના ટાંકામાં છુપાવ્યો હતો ચોરીનો મુદ્દામાલ
બાતમીના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમે બંને શખ્સોના રહેણાંક મકાનમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મકાનના ભોંયતળિયે બનાવેલા પાણીના ટાંકામાં છુપાવવામાં આવેલો ચોરીનો તમામ સોના-ચાંદીનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
પોલીસે સોનાના નાકના દાણા, સોનાના પેન્ડલ, ચાંદીની કડલીઓ, સાંકળા, કંદોરા, પગની માંછલી, વીંટીઓ તથા ચાંદીનો જૂનો ભંગાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉપરાંત બનાવમાં ઉપયોગમાં લેવાયેલ સ્પલેન્ડર મોટરસાયકલ નંબર GJ-36-AM-7998 પણ કબજે કરવામાં આવી હતી.
*પકડાયેલા આરોપીઓ*
1. કરીમભાઈ હાસમભાઈ માણેક (વાઘેર)
ઉંમર : 53 વર્ષ
ધંધો : મજૂરી
રહે. હાલ મોરબી, વાવડી રોડ, શ્રીજી પાર્ક, ઐયરભાઈના મકાનમાં ભાડેથી.
મૂળ રહે. નવી નવલખી, તા. માળીયા (મી), જી. મોરબી.
2. મુસ્તાકભાઈ કરીમભાઈ માણેક (વાઘેર)
ઉંમર : 24 વર્ષ
ધંધો : મજૂરી
રહે. હાલ મોરબી, વાવડી રોડ, શ્રીજી પાર્ક, ઐયરભાઈના મકાનમાં ભાડેથી.
મૂળ રહે. નવી નવલખી, તા. માળીયા (મી), જી. મોરબી.
પોલીસે કબજે કરેલો મુદ્દામાલ
*મુદ્દામાલની વિગત| કિંમત*
1| સોનાના નાકના દાણા તથા સોનાના પેન્ડલ, વજન 26.05 ગ્રામ| રૂ.2,74,000
2| ચાંદીની નાની-મોટી કડલીઓ, નંગ 110, વજન 1 કિલો 35 ગ્રામ| રૂ.2,48,124
3| ચાંદીના સાંકળા, 19 જોડી, વજન 2 કિલો 58 ગ્રામ| રૂ.4,95,400
4| ચાંદીના કંદોરા, નંગ 5, વજન 584.5 ગ્રામ| રૂ.1,40,689
5| ચાંદીની પગની માંછલી તથા વીંટીઓ, વજન 1 કિલો 17.5 ગ્રામ| રૂ.1,18,875
6| ચાંદીનો જૂનો ભંગાર, વજન 1 કિલો 696 ગ્રામ| રૂ.2,00,000
| સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કુલ કિંમત| રૂ.17,24,000
7| સ્પલેન્ડર મોટરસાયકલ નંબર GJ-36-AM-7998| રૂ.50,000
| કુલ કબજે કરેલ મુદ્દામાલ| રૂ.17,74,000
પોલીસની કામગીરી
આ સમગ્ર કામગીરી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. જાડેજાની આગેવાની હેઠળ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.સી. ગોહિલ તથા સર્વેલન્સ સ્ટાફે મહત્વની કામગીરી કરી હતી.
પોલીસે બંને આરોપીઓને અટક કરી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.1768/2026માં BNSની કલમ 305(એ), 331(4) મુજબ ગુનો ડિટેક્ટ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


