આંગણવાડીના ભૂલકાઓ સાથે વહાલસોયો સંવાદ કરી કાર્યકર બહેનોની કામગીરીને બિરદાવી
મોરબી : મોરબી શહેરના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્રની રાજ્યમંત્રી કાંતિ અમૃતિયા દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીએ આંગણવાડીના ભૂલકાઓ સાથે હળવાશભર્યો અને વહાલસોયો સંવાદ કરી તેમની સાથે સમય વિતાવ્યો હતો.
મુલાકાત દરમિયાન મંત્રી કાંતિ અમૃતિયાએ આંગણવાડી કેન્દ્રમાં બાળકોને આપવામાં આવતી વિવિધ સેવાઓ તથા આંગણવાડીની કામગીરી અંગે જાણકારી મેળવી હતી. તેમણે આંગણવાડીમાં ઉપસ્થિત ભૂલકાઓ સાથે પ્રેમાળ વાતચીત કરી બાળકોની દૈનિક પ્રવૃત્તિઓ, અભ્યાસ અને સુવિધાઓ અંગે રસપૂર્વક પૂછપરછ કરી હતી.
આ પ્રસંગે મંત્રીએ આંગણવાડી કાર્યકર બહેનોની નિષ્ઠાપૂર્વકની કામગીરીને બિરદાવી હતી. બાળકોના સર્વાંગી વિકાસ, પોષણ અને પ્રારંભિક શિક્ષણ માટે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા કરવામાં આવતી સેવાઓને મહત્વપૂર્ણ ગણાવી તેમની કામગીરીને પ્રોત્સાહિત કરી હતી.
મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્રની વ્યવસ્થા, બાળકોને મળતી સુવિધાઓ તથા કામગીરી અંગે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. બાળકોને યોગ્ય પોષણ, સંભાળ અને શિક્ષણ મળી રહે તે માટે સતત સક્રિય રહી કામગીરી કરવા મંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું.
મંત્રીની આ મુલાકાતથી આંગણવાડી કાર્યકર બહેનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. બાળકો સાથે મંત્રીશ્રીએ કરેલો હેતાળ સંવાદ મુલાકાતનું આકર્ષણ બન્યો હતો.
આ મુલાકાત પ્રસંગે આંગણવાડી કાર્યકર બહેનો તથા સંબંધિત સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.


