કલેક્ટર સ્વપ્નિલ ખરેના નેતૃત્વમાં વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓએ શ્રમદાન કરી કચેરી પરિસરની કરી સફાઈ
કલેક્ટરએ રેકર્ડ રૂમ, વોટર રૂમ અને ટેરેસનું સઘન નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા
ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને હાર પહેરાવી કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે તથા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીશ્રીઓ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરી ભાવાંજલિ અર્પવામાં આવી હતી. પૂજ્ય બાપુના સ્વચ્છતાના સંદેશને સાર્થક કરવાના આશયથી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત કલેક્ટરની ઉપસ્થિતિમાં અધિકારીઓ અને કર્મચારીઓએ શ્રમદાન કરીને સમગ્ર કલેક્ટર કચેરી પરિસરની સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી.
આ ઉપરાંત, પરિસરની સ્વચ્છતા અને સુચારુ વહીવટી કામગીરીની સમીક્ષાના ભાગરૂપે કલેક્ટર દ્વારા કલેક્ટર કચેરીના રેકર્ડ રૂમની ખાસ મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં તેમણે સરકારી રેકર્ડના યોગ્ય વર્ગીકરણ અને તેની જાળવણીની પદ્ધતિસર તપાસ કરી ઉપસ્થિત સ્ટાફને જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપી હતી. સાથે જ કલેક્ટરએ વોટર રૂમ તથા ટેરેસ સહિતના તમામ વિભાગીય વિસ્તારોનું નિરીક્ષણ કરી કચેરી પરિસરમાં સ્વચ્છતા તેમજ સુઘડતા જળવાઈ રહે તે માટેના નિર્દેશો કર્યા હતા.


