મોરબી ખાતે જિલ્લા કોંગ્રેસની મહત્વની બેઠક યોજાઈ, આગામી કાર્યક્રમોને લઈને થયું મનોમંથન
મોરબી ખાતે આજે એક ખાનગી હોલમાં મોરબી જિલ્લા કોંગ્રેસની મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કોંગ્રેસના નેતા લલિત વસોયા, લલિત કગથરા સહિત જિલ્લા અને શહેર કોંગ્રેસના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ કેટલાક તાલુકા પ્રમુખો હાજર રહ્યા હતા.
બેઠક દરમિયાન કોંગ્રેસના આગામી કાર્યક્રમો તેમજ આગામી વિધાનસભા ચૂંટણીને લઈને સંગઠનાત્મક બાબતો અંગે ચર્ચા અને મનોમંથન કરવામાં આવ્યું હતું. સાથે જ તાજેતરમાં માર્કેટિંગ યાર્ડમાં આવેલા પરિણામો અને મોરબી જિલ્લામાં ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે પણ ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
છેલ્લા કેટલાક દિવસોથી લલિત કગથરા મોરબીથી લઈને અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સુધી વિવિધ કાર્યક્રમોમાં સક્રિય જોવા મળી રહ્યા છે. જેના પગલે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા શરૂ થઈ હતી કે શું લલિત કગથરા આગામી વિધાનસભા ચૂંટણીમાં ફરી મેદાનમાં ઉતરશે?
આ ચર્ચાઓ વચ્ચે આજે જિલ્લા કોંગ્રેસની બેઠક દરમિયાન લલિત કગથરાએ પોતાના ચૂંટણી લડવાના મુદ્દે સ્પષ્ટતા કરી હતી. કગથરાએ જણાવ્યું હતું કે, “હું ચૂંટણી લડવાનો નથી, પરંતુ પાર્ટી જે ઉમેદવાર નક્કી કરશે તેના માટે મત માંગવા જરૂર જઈશ.”
લલિત કગથરાના આ નિવેદનથી આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમની પોતાની ઉમેદવારી અંગે ચાલી રહેલી અટકળો પર હાલ પૂરતો વિરામ આવ્યો છે.


