કિશોરીઓનું હેલ્થ ચેકઅપ, મેન્સ્ટ્રુઅલ હાઇજિન અને પૂર્ણા યોજના અંતર્ગત માર્ગદર્શન અપાયું; કીટ વિતરણ કરી દીકરીઓના સર્વાંગી વિકાસ પર ભાર મુકાયો
દીકરીઓના સર્વાંગી વિકાસ, આરોગ્ય સુધારણા અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના ઉમદા આશયથી “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અંતર્ગત મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા આઈ.સી.ડી.એસ. (ICDS) વિભાગના સંયુક્ત ઉપક્રમે મોરબી ઘટક કક્ષાએ ‘કિશોરી મેળા’નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ કિશોરીઓનું વજન, ઊંચાઈ, બોડી માસ ઈન્ડેક્સ (BMI) અને હિમોગ્લોબિન સહિતનું સઘન આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પૂર્ણા યોજના અંતર્ગત કિશોરીઓને પૂરક પોષણ આહાર, કિશોરાવસ્થામાં થતા શારીરિક ફેરફારો, એનિમિયા નિવારણ, કાયદાકીય અધિકારો, જીવન કૌશલ્ય તથા વ્યવસાયલક્ષી તાલીમ અંગે માર્ગદર્શન અપાયું હતું. સાથોસાથ મેન્સ્ટ્રુઅલ હાઇજિન, વ્યક્તિગત સ્વચ્છતા અને પોષણના મહત્વ વિશે જાગૃત કરી “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અને કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી તમામ કિશોરીઓને ‘મેન્સ્ટ્રુઅલ હાઇજિન કીટ’નું વિતરણ કરાયું હતું.
આ કિશોરી મેળામાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી, બાળ વિકાસ યોજના અધિકારી ભાવનાબેન ચારોલા અને મમતાબેન રાવલ, મેડિકલ ઓફિસર શિતલબેન જાની, જિલ્લા કો-ઓર્ડિનેટર મયુરભાઈ સોલંકી, પૂર્ણા કન્સલ્ટન્ટશ્રી દક્ષાબેન, મુખ્ય સેવિકાઓ, આંગણવાડી વર્કર્સ તેમજ પૂર્ણા યોજના અને બાલિકા પંચાયત સાથે જોડાયેલી કિશોરીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.



