મહેન્દ્રનગર રામવાડી ખાતે યોજાયો સન્માન કાર્યક્રમ; આંગણવાડી બહેનોએ પણ મોમેન્ટો અર્પણ કરી અશોકભાઈ દેસાઈનું કર્યું સન્માન
મોરબી: નવા વર્ષના પાવન અવસરને અનુલક્ષીને મહેન્દ્રનગર રામવાડી ખાતે મોરબી તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો અને સ્ટાફ માટે શુભેચ્છા અને સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી તાલુકા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મોરબી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અશોકભાઈ દેસાઈ તથા તેમની ટીમ દ્વારા મોરબી તાલુકાની તમામ આંગણવાડીઓની બહેનો તેમજ સ્ટાફને મોમેન્ટો (ભેટ) અર્પણ કરી નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કાર્યકર બહેનો અને હેલ્પર બહેનોએ પણ અશોકભાઈ દેસાઈનું મોમેન્ટો અર્પણ કરી સન્માન કર્યું હતું. આંગણવાડી ક્ષેત્રે કાર્યરત બહેનો સમાજના પાયાના સ્તરે રહીને બાળકોના પોષણ, આરોગ્ય, શિક્ષણ અને મહિલા સશક્તિકરણ સહિતની મહત્વપૂર્ણ કામગીરી નિભાવે છે. તેમની આ સેવાઓને બિરદાવવાના હેતુથી આ સ્નેહમિલન અને સન્માન કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મોરબી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અશોકભાઈ દેસાઈ, જયેશભાઈ રાઠોડ, કેતનભાઈ મારવાણીયા તથા તેમની ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત મોરબી ઘટક-૨ના CDPO ભાવનાબેન ચારોલા, સુપરવાઈઝર બહેનો તેમજ મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનો અને હેલ્પર બહેનો હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ આંગણવાડી બહેનોની સેવાભાવી કામગીરીને બિરદાવી હતી અને નવા વર્ષમાં પણ તેઓ ઉત્સાહ, સમર્પણ અને સેવાભાવ સાથે પોતાની ફરજ નિભાવતા રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમ સન્માન, સ્નેહ અને પરસ્પર આદરની ભાવના સાથે સંપન્ન થયો હતો.







