*‘ચોથો સ્તંભ મીડિયા’; મોરબીમાં વાવાઝોડાને પગલે મીડિયાકર્મીઓ ખરેખર સ્તંભ બની લોકો માટે ખડેપગે રહ્યા*
‘મીડિયા એ ચોથો સ્તંભ’ આ સંક્લ્પના બિપરજોય વાવાઝોડાના પગલે મોરબીના મીડિયાકર્મીઓએ સાર્થક કરી છે. જ્યાં તેમણે દિવસ-રાત કે વરસાદ અને વાવાઝોડાની ચિંતા કર્યા વિના લોકો સુધી સાચી અને સચોટ માહિતી પહોંચાડી છે.
મોરબીમાં બિપરજોય વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરવામાં આવી ત્યારથી જ મોરબીનું મીડિયા જગત આ બાબતે સક્રિય બની ખૂબ ઉમદા કામગીરી કરી રહ્યું છે. મીડિયાકર્મીઓએ વરસાદ કે વાવાઝોડાની ચિંતા કર્યા વિના નવલખી, માળીયા વગેરે વિસ્તારોમાં દરિયાકાંઠાઓ પર જઈ સાચી સ્થિતિ લોકો સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. વાવાઝોડાની પળ પળની ખબર લોકો સુધી પહોંચાડી લોકોને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું છે.
આ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા ઉભા કરવામાં આવેલા આશ્રયસ્થાનો, સ્થળાંતરિત લોકો વગેરેની મુલાકાત લઈ મીડિયાકર્મીઓએ આ લોકોને કોઈ અગવડ ન પડે તેની પૂરતી તકેદારી રાખી હતી. મોરબીમાં આવેલા નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈનું પણ પૂરું કવરેજ કરી તમામ વિગતો લોકો સુધી પહોંચાડી છે. ઉપરાંત રાજ્ય સરકારશ્રી દ્વારા જારી કરવામાં આવેલા વિવિધ હુકમો પ્રેસ રીલીઝ તેમજ જિલ્લા માહિતી કચેરી દ્વારા પણ પ્રસિદ્ધ કરવામાં આવતી હકારાત્મક કામગીરીની પ્રેસ રીલીઝને પૂરતું પ્રાધાન્ય આપી આ વાવાઝોડાની ગંભીર સ્થિતિમાં હકારાત્મક ભૂમિકા ભજવી છે.
જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહી કલેક્ટરશ્રી દ્વારા આપવામાં આવતા જાહેરનામા, સંદેશા, અપીલ વગેરે તાત્કાલિક ધોરણે લોકો સુધી પહોંચાડવામાં પણ મીડિયાનો મહત્વનો ફાળો રહ્યો છે. ઉપરાંત વહીવટી તંત્ર સાથે જ ખડે પગે રહી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ તૈયારીઓની સમીક્ષા કરી કોઈ ત્રુટી જણાય તો તે તરફ તંત્રનું ધ્યાન દોરવાનું કામ પણ મીડિયાકર્મીઓએ ખૂબ નિષ્ઠાપૂર્વક કર્યું છે. આ કામગીરી બદલ રાજ્ય સરકાર તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મીડિયા કર્મીઓનો આભાર વ્યક્ત કરાયો છે.
સરકારે પણ આ વિકટ પરિસ્થિતિમાં મીડિયાકર્મીઓની ચિંતા કરી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મીડિયાકર્મીઓ માટે ગાઈડલાઈન બનાવી જરૂરી સલામતિના સાધનો સાથે રાખી કવરેજ કરવા અપીલ કરવામાં આવી હતી. મોરબી જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામકશ્રી ઘનશ્યામ પેડવા સાથે સમગ્ર માહિતી ટીમ દ્વારા મીડિયાકર્મીઓને સુરક્ષિત અને સલામત રીતે કવરેજ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.