*મોરબીમાં ૨૨ સપ્ટેમ્બર સુધી મહિલાઓને આર્થિક પગભર બનાવવા માટે સ્કાય મેલો પાસે આવ્યો સરસ મેળો*
નારી શક્તિને રોજગારી મળી રહે અને મહિલાઓ રોજગારી મેળવી પરિવારમાં આર્થિક રીતે મદદરૂપ બને તે માટે મોરબીમાં સખી મંડળની બહેનો માટે પ્રાદેશિક સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ચાલો આ મેળાની મુલાકાત લઈ મહિલાઓને સહકાર આપીએ.
રાજ્યમાં મહિલાઓના સશક્તિકરણ માટે ગ્રામ વિકાસ વિભાગ હેઠળની ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લી.(જી.એલ.પી.સી.) દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કાર્યરત મહિલા સ્વ-સહાય જૂથોને કૌશલ્ય તાલીમ દ્વારા આજીવિકાલક્ષી પ્રવૃતિઓ સાથે જોડાણ કરવામાં આવે છે. ઉત્પાદકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ સ્વ-સહાય જૂથોને યોગ્ય બજાર વ્યવસ્થા મળી રહે તે હેતુથી મોરબી ખાતે ૧૩/૦૯/૨૦૨૪ થી ૨૨/૦૯/૨૦૨૪ સુધી રત્નકલા ગ્રાઉન્ડ, સ્કાય મોલની બાજુમાં શનાળા રોડ ખાતે પ્રાદેશિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાના જુદા-જુદા ગામના કુલ ૭૫ સ્વ-સહાય જુથની બહેનો તેમજ જુદા જુદા કારીગરો દ્વારા કલાત્મક વિવિધ ચીજ વસ્તુઓના વેચાણ માટે ૫૦ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્ટોલ ખાતે ૧૦૦ મહિલાઓ રોજગારી મેળવી શકાશે. મહિલાઓને આજીવિકાની ઉત્તમ તક પુરી પાડવા અને ગ્રાહકોને અવનવી વસ્તુ ખરીદવાની ઉતમ તક આ મેળામાં મળી રહેશે. જેમાં હેન્ડલુમ, હેન્ડીકાફ્ટ, ફુડ પ્રોડક્ટ. ગૃહસુશોભન, વણાટ કામની વસ્તુઓ, ઝુલા, ડ્રેસ મટીરીયલ, સાડી, બાંધણીના દુપટા, નાઇટ લેમ્પ, દોરી વર્કની બનાવટ, સીઝનેબલ મસાલા અને અથાણા જેવી વિવિધ ચીજ વસ્તુઓનું બહેનો/કારીગરો દ્વારા સીધુ જ વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ મેળામાં આવનાર તમામ સ્વ-સહાય જુથની બહેનો/કારીગરોને રહેવા તેમજ જમવાની માટેની તમામ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે.