સેવા સેતુ અંતર્ગત જિલ્લા વાસીઓને ઘર આંગણે જ ૧૩ વિભાગની ૫૫ સેવાઓનો લાભ મળી રહેશે
જિલ્લા વાસીઓને સંબંધિત નગરપાલિકા કે ગ્રામ પંચાયત ખાતે આ સેવાઓનો લાભ લેવા વહિવટી તંત્રનો અનુરોધ
સેવા સેતુ કાર્યક્રમના ૧૦ માં તબક્કા અન્વયે મોરબી જિલ્લામાં વિવિધ આયોજનો હાથ ધરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક યોજનાઓ અને સેવાઓ લોકો સુધી પહોંચાડવામાં આવનાર છે.
લોકોને ઘર આંગણે જ સરકારી યોજનાઓની સહાય ઉપરાંત અનેક સરકારી સેવાઓનો લાભ ઘરે આંગણે જ મળી રહે તે માટે સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ અમલી કરવામાં આવ્યો છે. સેવા સેતુ કાર્યક્રમના ૧૦ માં તબક્કા અન્વયે મોરબી જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે.
સેવા સેતુ દ્વારા સરકારી સેવાઓ અને યોજનાઓના લાભ ઘર આંગણે પહોંચાડવામાં આવનાર છે. જેના અનુસંધાને સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આધાર નોંધણી અને આધારકાર્ડમાં સુધારા કરવા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા રાશનકાર્ડમાં નામ દાખલ કે કમી કરવું/સુધારા કરવા તથા રેશનકાર્ડ ધારકોની ઈ-કેવાયસી અંગેની સેવા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા દિવ્યાંગતા પ્રમાણપત્ર, નમોશ્રી યોજના, પીએમજેમાં કાર્ડ, હેલ્થ વેલનેસ કાર્ડ, જન્મ-મરણના પ્રમાણપત્ર, લગ્ન નોંધણી પ્રમાણપત્રની સેવા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા ઘરેલુ નવા વીજ જોડાણ આપવા, કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા પશુઓની ગાયનેકોલેજિકલ, સર્જીકલ અને મેડિસિન સારવાર, રિવર્નીંગ, રસીકરણ, કુત્રિમ બીજદાન, કિસાન ક્રેડિટ કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ માટે લાભાર્થીઓના ઈ-કેવાયસી તથા નવી અરજી માટે સેલ્ફ રજીસ્ટ્રેશન, નાણા વિભાગ દ્વારા મોબાઈલ નંબર તથા આધારકાર્ડ સાથે બેન્ક એકાઉન્ટનું જોડાણ, નવું બેન્ક એકાઉન્ટ ખોલાવવું, જન ધન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, અટલ પેન્શન યોજના, ભીમ એપ અને કેશલેસ લિટરેસી સહિતની સેવા આપવામાં આવનાર છે.
પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા મિલકત આકારણીનો ઉતારો અને વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્રની સેવા, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા સામાન્ય લોકો માટે બસ કન્સેપ્શન પાસ, મહેસુલ વિભાગ દ્વારા ૭-૧૨ અને ૮-અના પ્રમાણપત્રો, રેવન્યુ રેકર્ડ માટે વારસાઈ અરજીની સેવા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા જાતિ પ્રમાણપત્ર, આવકનો દાખલો, નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગ આર્થિક સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, દિવ્યાંગ માટે પાસ કન્સેસન, યુડીઆઈડી કાર્ડનું રજીસ્ટ્રેશન, સમાજ કલ્યાણ અનુસૂચિત જાતિની સેવાઓ, કુંવરબાઈનું મામેરું સહાય યોજના, ફ્રી શીપ કાર્ડ શાળા કોલેજ પ્રવેશ દરમિયાન, ડો.આંબેડકર આવાસ યોજનાની ઓનલાઈન અરજીની સેવા, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આઈસીડીએસ હેઠળ બાળકોના આધારકાર્ડ તેમજ વિધવા સહાયની સેવા ઉપરાંત શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજનાની અરજીઓનો સ્વીકાર કરવાની કામગીરી સહિતની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવનાર છે.
મોરબી જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બર થી ૩૧ ઓક્ટોબર દરમિયાન કરવામાં આવેલ વિવિધ આયોજનની વિગતે વાત કરીએ તો, ૧૭ સપ્ટેમ્બર થી ૨૬ ઓક્ટોબર દરમિયાન મોરબી તાલુકામાં ૫ કેમ્પ, ૧૭ સપ્ટેમ્બર થી ૧૯ ઓક્ટોબર દરમિયાન માળીયા તાલુકામાં ૪ કેમ્પ, ૧૭ સપ્ટેમ્બર થી ૧૮ ઓક્ટોબર દરમિયાન હળવદ તાલુકામાં ૪ કેમ્પ, ૧૭ સપ્ટેમ્બર થી ૨૫ ઓક્ટોબર દરમિયાન વાંકાનેર તાલુકામાં ૫ કેમ્પ અને ૧૭ સપ્ટેમ્બર થી ૧૮ ઓક્ટોબર દરમિયાન ટંકારા તાલુકામાં ૪ કેમ્પ મળી જિલ્લાના ૫ તાલુકામાં કુલ ૨૨ નું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ લોકો માટે કલ્યાણકારી યોજનાઓ અને જરૂરી સેવાઓ ઘર આંગણે પહોંચાડવાના આ સેવા સેતુ કાર્યક્રમ અન્વયે જે ક્લસ્ટરમાં કાર્યક્રમ યોજાનાર હોય ત્યાં નજીકના ગામના લોકોએ ઉપસ્થિત રહી આ સેવા સેતુ કાર્યક્રમનો બહોળો લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.