*મોરબી જિલ્લાનાં વર્ગ ૧ અને ૨નાં અધિકારીઓની ઉપસ્થિતિ*
*“પ્રજાને પડતી તકલીફો દૂર કરી શકીએ એ જ સાચું સુશાસન છે”*
*”સુશાસન માટે અધિકારીઓએ દરરોજ આત્મમંથન અને મનોમંથન કરવું જોઈએ : વધુને વધુ લોકોને સરકારી સેવાનો લાભ મળે તો જ સુશાસન સાર્થક થયું ગણાય”*
*”અધિકારીઓએ પોતાની કચેરીઓમાં નિયમિતતા, શિષ્ટ, સ્વચ્છતા, અરજદારો સાથે સારી વર્તણૂંક સુનિશ્ચિત કરવી જોઈએ : પ્રજાલક્ષી પરિણામ લાવવા માટે જરૂરી કડક પગલાં લેવા જોઈએ”* *જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી*
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સફળ અને સક્ષમ નેતૃત્વના ૨૩ વર્ષ પૂર્ણ થતાં હોય વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. ત્યારે મોરબીમાં સ્કાય મોલ ખાતે જિલ્લાકક્ષાના સુશાસન દિવસની ઉજવણી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી.
આ સુશાસન દિવસની ઉજવણીમાં જિલ્લા કલેકટરએ પીપીટી રજૂ કરીને અધિકારીઓને જણાવ્યું હતું કે, સુશાસન આપવા અધિકારીઓએ દરરોજ આત્મમંથન અને મનોમંથન કરવું જોઈએ. આ માટે તો પોતાની તથા નીચેના કર્મચારીઓની ફરજમાં નિયમિતતા, શિષ્ટ, સ્વચ્છતાનો અભિગમ કેળવાવો જોઈએ. કચેરીમાં અરજદારો સાથે સારી રીતે વર્તણૂંક થાય, કાયદાઓ- નિયમોથી અપડેટ રહેવું જોઈએ. કચેરીઓમાં કોઈ કામ બાકી ના રહેવું જોઈએ. વધુને વધુ લોકોને સરકારી સેવાનો લાભ મળે તે સુનિશ્ચિત કરવું જોઈએ. તો જ સુશાસન સાર્થક થઈ શકે. અધિકારીઓએ પોતાની કામગીરીમાં સુધારો લાવી અને પ્રજાલક્ષી પરિણામ લેવા માટે જરૂરી કડક પગલાં લેવા અધિકારીઓને કલેકટરશ્રીએ જણાવ્યું હતું.
કોઈપણ અરજદારને અન્યાય ના થઈ જાય અને સૌને પોતાના કામ બદલ દિવસના અંતે આત્મસંતોષ પ્રાપ્ત થાય તે રીતે કામગીરી થવી જોઈએ. ફર્સ્ટ થિંગ ફર્સ્ટ આઉટ અભિગમને અપનાવવાની આવશ્યકતા છે. નાનામાં નાના માણસનું કામ સૌથી પહેલા થવું જોઈએ. સીએમ ડેશબોર્ડ અને નમોશ્રી યોજનામાં મોરબી જિલ્લો આજે રાજ્યક્ક્ષાએ ટોપ પર છે. જે ગૌરવની વાત છે. તેમ કલેકટરએ અંતમાં જણાવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી એસ.જે.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, જાહેર હિત અને પ્રજાના હિતની વિભાવના સુશાસન દિવસમાં રહેલી છે. જેના માટે સંસાધનોનો યોગ્ય અને સપ્રમાણ ઉપયોગ થાય તે જરૂરી છે. મોરબી જિલ્લાનો રાજ્યમાં અગ્રેસર બનાવવા બધા નાગરિકો સામેલ બને તે જરૂરી છે. લોકોનો વિશ્વાસ જીતવો એ સુશાસન છે.
નિવાસી અધિક કલેકટર એસ.જી.ખાચરે જણાવ્યું હતું કે, આપણે પ્રજાનાં સેવકો અને કર્મયોગીઓ છીએ. તેમાં યોગદાન આપી રહ્યા છીએ. જો કામ ખરા દિલથી કરવામાં આવે તો કામ દીપી ઉઠશે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ.ગઢવીએ સુશાસનની રૂપરેખા રજૂ કરી જણાવ્યું હતું કે, અફસરશાહી એ જૂની લોકશાહી પ્રથાનો પ્રચલિત શબ્દ છે. નવી લોકશાહી પ્રથા મુજબ અધિકારીઓ એ શાસક નથી પરંતુ લોકોના સેવક છીએ. હજારો લોકોમાં આપણી પસંદગી અધિકારી તરીકે થઈ હોય ત્યારે લોકો માટે કર્મનો સિદ્ધાંત સર્વ જન સુખાય, સર્વ જન હિતાય મુજબ કામ કરવું જોઈએ.
પ્રાંત અધિકારી સુનિલ પરમારે કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય વડે કરાઈ હતી અને મંચસ્થ મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.