મંત્રીના હસ્તે ૧ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યું વાન અને ૧૮ ફોરેસ્ટ બાઈકનું લોકાર્પણ કરાયું
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં સિંહોના સંવર્ધન માટેના રામપરા અભયારણ્યની વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીએ ૧ વાઈલ્ડ લાઈફ રેસ્કયું અને ૧૮ ફોરેસ્ટ બાઈકને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જે વાહનો થકી વન વિભાગના કર્મચારીઓની કામગીરીમાં સરળતા સાથે તેમની કાર્યક્ષમતામાં વધારો થશે .
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે આંબરડી, બરડા અને ગીર સહિતના સ્થળોની જેમ અહીં પણ સફારી પાર્કની શક્યતાઓ દેખાઈ રહી છે. જેથી રામપરા અભ્યારણનો એ મુજબ તબક્કાવાર વિકાસ કરવામાં આવે તે માટે પણ સરકાર વિચારણા કરશે. રામપરા અભયારણ્ય સહિત વન વિભાગના મોરબી ડિવિઝનની કામગીરીની મંત્રી એ સરહાના કરી હતી. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે મિષ્ટી પ્રોજેક્ટ હેઠળ ચેરનું વધુ અને વધુ વાવેતર થાય તે માટે ડબલ ટાર્ગેટ સાથે કામગીરી કરવામાં આવે એ પ્રકારનું આયોજન સરકાર અમલમાં મુકવા જઈ રહી છે.
મંત્રીએ રામપર અભયારણ્ય ખાતે સિંહોના બ્રીડીંગ સેન્ટર અને સંવર્ધન કેન્દ્ર તથા અન્ય વન્ય જીવોના સંવર્ધન સ્થળોની મુલાકાત કરી તેનું નિરીક્ષણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ મંત્રીને મોરબી જિલ્લાની વન વિસ્તાર, વન્ય સંપદા તથા જૈવ વિવિધતા વિશે વિગતે વાત કરી હતી.
મોરબી નાયબ વન સંરક્ષક ચિરાગ અમીને પ્રેઝન્ટેશનના માધ્યમથી મંત્રીને મોરબી ડિવિઝન તથા રામપરા અભયારણ્યમાં કરવામાં આવતી વિવિધ વન સંપદા સંવર્ધન તેમજ વન્યજીવોના સરક્ષણ માટેની કામગીરી વિશે વિગતે માહિતગાર કર્યા હતા.